News of Wednesday, 31st December 2025
પંચમહાલના જાંબુઘોડામાં મનરેગાના મહા કૌભાંડના તમામ આરોપીઓની સામે સરકાર તપાસ કરે: અમિત ચાવડા
આદિવાસી વિસ્તારોમાં પ્રશ્નોની ભરમાર, મનરેગાના કૌભાંડમાં સામેલ ૪ એજન્સીઓનો મોટો ભ્રષ્ટાચાર : વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, સહપ્રભારી, પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિતના જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હાલ પંચમહાલ જિલ્લામાં છે. અહીં યાત્રાના દસમા દિવસની શરૂઆત બોડેલીથી કરવામાં આવી હતી. ત્યારબાદ યાત્રા ખાંડીવાવ, જાંબુઘોડા, શિવરાજપુર, પાવાગઢ, ઘોઘંબા, અરાડ, તરખાંડા, હાલોલ, અલીન્દ્રા ચોકડી માર્ગે કાલોલ તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં 42 હજારની વસ્તી છે, 26 ગ્રામ પંચાયતો અને 1 જિલ્લા પંચાયતની સીટ છે. અહીંયા 4 વર્ષમાં મનરેગા યોજનામાં 300 કરોડનો ખર્ચ થયો છે, જેમાંથી 216 કરોડ માત્ર મટીરીયલ ખર્ચ થયો છે. આખા દેશમાં ખર્ચનો રેશિયો 40 ટકા મટીરીયલ અને 60 ટકા લેબરનો છે, પરંતુ અહીં મટીરીયલ માટે 78 ટકા અને લેબર માટે માત્ર 22 ટકા ખર્ચ થયો છે. કારણ કે અહીં ભાજપના નેતા મયંક દેસાઈની 4 એજન્સીઓ મારફતે 200 કરોડ કરતા વધુનું મટીરીયલ સપ્લાય કરવામાં આવ્યું છે. આ 4 એજન્સીઓ અનુક્રમે ગિરિરાજ ટ્રેડર્સ, ગિરિરાજ એન્ટરપ્રાઈઝ, ગિરિરાજ સપ્લાયર્સ અને જય માતાજી સપ્લાયર્સના નામે રજિસ્ટ્રેશન થયેલી છે, જેના માલિકો અનુક્રમે મયંક દેસાઈ, જીગ્નેશ દેસાઈ, કેતુબેન દેસાઈ અને છત્રસિંહ છે. આ ચારેય એજન્સીઓ જે મયંક દેસાઈના પરિજનો અને એમના મળતિયાઓની છે જેને મળીને 100 કરોડ કરતા વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે. સ્થળ પર કામ થયું નથી જેના પુરાવા પણ છે. આ બાબતે રજૂઆતો કરવામાં આવી પુરાવાઓ પણ આપવામાં આવ્યા છતાં પ્રશાસન દ્વારા કોઈ તપાસ થતી નથી, જેના કારણે જનતામાં ભારે આક્રોશ છે. જનતા ભ્રષ્ટાચારીઓને જેલમાં મૂકવાની માંગ કરી રહી છે.
ગુજરાત ફ્લોરો કંપનીમાંથી પ્રદૂષિત ઝેરી ધુમાડો નીકળે છે, જેના કારણે અનેક લોકોના મોત થયા છે અને જિલ્લાનું પ્રદૂષણ વધ્યું છે. એ કંપની સામે પણ કાર્યવાહી થાય એવી માંગ ઉઠી છે, પરંતુ હપ્તાખોર સરકાર કોઈ પગલા લઈ રહી નથી. ઉપરાંત સ્થાનિક યુવાઓને રોજગાર નથી મળતો અને કામદારોનું શોષણ થાય છે. જિલ્લામાં આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલાઓ નથી મળતા અને સરકાર દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે. ચારેતરફ લૂંટ ચાલી રહી છે અને ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા સામે કેસ કરવામાં આવે છે, હત્યાઓ કરાવવામાં આવે છે અને યેનકેન પ્રકારે દબાવવામાં આવે છે, પરંતુ આગામી સમયમાં આ બધાનો હિસાબ થશે અને આવા લોકોને છોડવામાં નહીં આવે.
વધુમાં જિલ્લામાં મનરેગા હોય કે નલ સે જલ યોજના, તમામ યોજનાઓમાં ભાજપના નેતાઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કારણ કે એમના સામે કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ એમને જણાવવાનું કે બાજુના જિલ્લાના દેવગઢ બારિયામાં મંત્રી પુત્રોને પણ આવી જ હવા હતી. એમને પણ મનરેગા કૌભાંડમાં જેલમાં જવું પડ્યું અને એમના પિતાનું મંત્રીપદ પણ ગયું. આગામી સમયમાં મંત્રી પણ જેલમાં જશે, એમને કોઈ બચાવી નહીં શકે.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે કોંગ્રેસની સરકારોએ હંમેશા ગરીબોનું ભલું કર્યું છે. કોંગ્રેસની સરકારે દર મહિને 5 કિલો મફત અનાજનો કાયદો લાવ્યો, જંગલમાં રહેતા આદિવાસીઓને જમીન આપવાનો કાયદો લાવ્યો અને મફત શિક્ષણનો કાયદો લાવ્યો. ઉપરાંત ગરીબ વર્ગના લોકોને 100 દિવસ રોજગારીની ગેરંટી મનરેગા યોજનાથી સુનિશ્ચિત કરી, પરંતુ ભાજપના લોકોએ આ યોજનાઓમાં માત્ર ભ્રષ્ટાચાર કર્યો અને પોતાના ખિસ્સાઓ ભર્યા. જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે એક એક ભ્રષ્ટાચારીને જેલભેગા કરીશું.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી, પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા, પંચમહાલ જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શશિકાંત રાઠવા, પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, ઉદેસિંહ બારીયા, અજીતસિંહ ભટ્ટી, રફીકભાઈ તીજોરીવાલા, શ્રી કિર્તીરાજસિંહ રાણા, ગજેન્દ્રસિંહ પરમાર, સોમાભાઈ રાઠવા, સલીમભાઈ મીર, ભુપેન્દ્રસિંહ ખેર, શ્રી ભુપેન્દ્ર પરમાર, શ્રી ઈમ્તિયાઝ સુજેલા, નસીબદારભાઈ, કાજલબેન પરમાર, નરસિંહભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
