<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

પાલિકા- પંચાયતોની ચૂંટણી સમયસર કે મોડી? કમૂહુર્તા પૂરા થતા ચિત્ર સ્પષ્ટ

સમજને હી નહી દેતી સિયાસત હમકો સચ્‍ચાઇ, કભી ચહેરા નહી મિલતા, કભી દર્પન નહી મિલતા.... નવી-જુની બન્ને મતદાર યાદી મુજબ ચૂંટણી યોજવાનો વિકલ્‍પ ખૂલ્લોઃ ભાજપ માટે રાજકીય પ્રતિકુળતા હળવીઃ મકરસંક્રાતિ પછી તુરંત ચૂંટણી જાહેર થાય તેવી હિલચાલ

રાજકોટ, તા., ૩૧ : રાજયમાં તાલુકા-જિલ્લા પંચાયતો,  નગરો અને મહાનગરોની ચુંટણી નજીક આવી રહી છે. ચુંટણીનું સમયપત્રક જાહેર કરવાનું કામ રાજય ચુંટણી પંચનું છે. ચુંટણીઓ સમયસર ફેબ્રુઆરીમાં થશે કે મોડી થશે? તે બાબત હજુ સ્‍પષ્‍ટ થઇ શકી નથી. નવી જુની બન્ને મતદાર યાદી મુજબ ચુંટણી યોજવાનોવિકલ્‍પ ખુલ્લો છે.

જો ચુંટણી સમયસર યોજવી હોય તો જુની મતદાર યાદી મુજબ યોજવી પડે. નવી મતદાર યાદી ૧૯ ફેબ્રુઆરીએ જાહેર થનાર છે. તે મુજબ ચુંટણી સમયસર યોજી શકાય તેમ નથી. માર્ચમાં બોર્ડની પરીક્ષા અને વિધાનસભા સત્ર છે. ચુંટણી ‘સર' ની પ્રક્રિયા પુરી થયા પછી નવી મતદાર યાદી મુજબ યોજવાની હોય તો એપ્રિલ-મેમાં યોજાય શકે છે.

દિવાળી પછી કમોસમી વરસાદથી ઉદભવેલી પરિસ્‍થિતિથી ખેડુતોમાં ખુબ નારાજગી હતી. તે વખતે રસ્‍તાઓની હાલત પણ ખુબ ખરાબ હતી. બન્ને મુદ્દા સરકાર વિરૂધ્‍ધ જઇ શકે તેમ હતા. હવે આ બન્ને મુદ્દે હળવાશ થઇ ગઇ છે. ભાજપ માટે પ્રતિકુળ પરિસ્‍થિતિ સુધરતા સરકાર સમયસર ચુંટણી થઇ જાય તેવું ઇચ્‍છતી હોવાના વાવડ છે. કમુહુર્તા ૧પ જાન્‍યુઆરીએ પુરા થાય પછી તુરત ચુંટણીની જાહેરાત થઇ જશે તેવી પ્રબળ શકયતા આધારભુત વર્તુળો દર્શાવી રહયા છે. હાલ પાલીકા-પંચાયતોમાં ચુંટાયેલી પાંખની મુદત માર્ચના બીજા અઠવાડીયામાં પુરી થઇ રહી છે. જો ચુંટણી સમયસર ન થાય તો મુદત પુરી થયા પછી નવી ચુંટણી સુધી વચગાળાના સમયમાં વહીવટદાર આવી જશે. ચુંટણી સમયસર કે મોડી? તે અંગેનું ચિત્ર કમુહુર્તા પછી તુરત સ્‍પષ્‍ટ થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચુંટણીના જાહેરનામા અને મતદાન વચ્‍ચે ર૧ દિવસનો સમયગાળો હોવો જરૂરી છે.

(1:09 PM IST)