<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

સવારે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સાંજે રાજકોટ, જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ વરસ્યો

ભર શિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા: જીરું ઘઉ સહિતના શિયાળુ પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતી

અમદાવાદ :જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીને અનુરૂપ, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સવારે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ, બપોર બાદ રાજકોટસ જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.

જામનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં શિયાળામાં વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ચેલા-ચાંગા તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા.

રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ભર શિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. જીરું ઘઉ સહિતના શિયાળુ પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતી છે.

કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના ભીરંડીયારા પાસે પણ ભારે કમોસમી વરસાદ નોંધાયો છે. ભુજ ખાવડા નેશનલ હાઇવે પર પાણી વહી નીકળ્યા હતા. કમોસમી વરસાદના પગલે વાહન વ્યવહાર પર અસર પડી હતી. ભરશિયાળે કમોસમી વરસાદમાં લોકો પલળતા ભારે હાલાકી સર્જાઈ હતી. બે દિવસ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી લઇ માંદગી વધારો થવાની શક્યતા છે.

દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદને પગલે યાત્રાધામ દ્વારકામાં વરસાદી વાતાવરણ બાદ વરસ્યો વરસાદ. ઝરમર ઝરમર કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. ઓખા, બેટ દ્વારકામાં પણ વાદળો છવાયા હતા. કમોસમી વરસાદની શક્યતાઓ છે. દ્વારકામાં કમોસમી વરસાદ વરસતા શ્રદ્ધાળુઓ પણ હેરાન પરેશાન થયા છે.

(6:40 PM IST)