<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત કુલ ૨૯.૩૦ લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. ૮,૫૧૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

રાજ્યના કુલ ૬.૭૯ લાખ ખેડૂતો પાસેથી રૂ. ૧૦,૬૯૮ કરોડના મૂલ્યના ૧૪.૯૧ લાખ મે.ટન ખરીફ પાકોની ખરીદી કરાઈ: ખરીદી સામે અત્યાર સુધીમાં ૪.૧૬ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૬,૫૭૩ કરોડથી વધુનું ચૂકવણું કરાયું: ખેડૂતો પાસેથી ૧૪.૧૮ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરી રાજ્યના ૩.૮૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૬,૩૬૨ કરોડથી વધુની ચૂકવણી કરાઈ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૮,૭૧૦ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ ૨૯.૩૦ લાખ ખેડૂતોને કુલ રૂ. ૮,૫૧૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.
વધુમાં પ્રવક્તા મંત્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના ૬.૭૯ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧૦,૬૯૮ કરોડથી વધુના મૂલ્યના કુલ ૧૪.૯૧ લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી કરવામાં આવી છે. જેની સામે અત્યાર સુધીમાં ૪.૧૬ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૬,૫૭૩ કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત આજ સુધીમાં રાજ્યના ૬.૨૬ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧૦,૩૦૦ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧૪.૧૮ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે. જેની સામે અત્યાર સુધીમાં ૩.૮૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૬,૩૬૨ કરોડથી વધુની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું


 

(9:13 PM IST)