News of Wednesday, 31st December 2025
રાજપીપલાની શ્રી.એમ.આર વિદ્યાલયમાં શાળાકીય વાર્ષિક રમતોત્સવની ઉલ્લાસભેર ઉજવણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :શ્રી એમ.આર. વિદ્યાલયનાં આચાર્ય યોગેશકુમાર વસાવાનાં માર્ગદર્શન હેઠળ ભવ્ય વાર્ષિક શાળાકીય રમતોત્સવનું આયોજન કરાયું હતું
માનવીના સર્વાગી વિકાસમાં શિક્ષણની સાથે રમત-ગમતનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. કહેવાય છે કે, "સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો વાસ હોય છે" રમત-ગમત દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત, ખેલદિલી, સમૂહભાવના અને નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે. આવા ઉમદા હેતુ રમતો દ્વારા સાર્થક થયો હતો.
રમતોત્સવમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેદાન પર નીચે મુજબની વિવિધ રમતો રમાઈ હતી:
ક્રિકેટ,કબડ્ડી, ખો-ખો અને વોલીબોલની સ્પર્ધાઓમાં ભારે રસાકસી જોવા મળી હતી. આ ઉપરાંત લીંબુ-ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, જોડ-દોડ રીલે, કાંગારૂ દોડ, કાનખજુરા રીલે, ઝીક-ઝાક દોડ રીલે, સ્લો સાયકલિંગ, લોટમાંથી પૈસા ખોળ, કોથળાદોડ, કેળા ખાવું સ્પર્ધા, માટલા ફોડ, હાથીની પૂંછ દોરવી, ત્રિપગીદોડ, કીડી ચાલ રીલે, રસ્સાખેંચ, ચેસ જેવી રમતો રાખવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ માટે મેમરી ટેસ્ટ, બેડમિન્ટન, દોરડા કુદ જેવી રમતો પણ રમાડવામાં આવી હતી.
સમગ્ર દિવસ દરમિયાન શાળાનું મેદાન પ્રેક્ષકો અને વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા નાદથી ગુંજી ઉઠ્યું હતું. હાર-જીત કરતા પણ 'ખેલદિલી'ની ભાવના મુખ્ય રહી હતી. શિક્ષકોએ પણ રેફરી તરીકે તટસ્થ રહીને પોતાની ફરજ બજાવી હતી. રમતોત્સવ દરમિયાન મેદાન પર માત્ર સ્પર્ધા જ નહીં, પણ બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી અને નિખાલસ આનંદ જોવા મળતો હતો. રોજિંદા અભ્યાસના ભારથી દૂર, ખુલ્લા મેદાનમાં દોડતા અને રમતા બાળકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. જ્યારે કોઈ ખેલાડી જીત મેળવતો ત્યારે તેના સાથી મિત્રોના હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી આખું વાતાવરણ જીવંત બની જતું હતું. બાળકોના ખડખડાટ હાસ્યએ સૌના મન મોહી લીધા હતા. જીતનારના ચહેરા પર વિજયનું સ્મિત હતું, નો ભાગ લેનાર દરેક બાળકના મનમાં કંઈક નવું શીખ્યાનો સંતોષ હતો. આ રમતગમતે બાળકોને માનસિક તાજગી આપી હતી. જે તેમના સર્વાગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.
શાળાના શિક્ષક ભુપતિસંહ વસાવા દ્વારા શાળાના તમામ બાળકો માટે નાસ્તાનું અને શ્રી જયેશ મહંત આર.વી પટેલ આર. પી. પટેલ અને શીતલબેન દ્વારા શાળાના તમામ બાળકો માટે ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. કાર્યક્રમના અંતે વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આચાર્યશ્રીએ આભાર વિધિ કરી હતી.
આમ સાત્વિક અને સુરુચિ ભોજનની સાથે સાથે શાળાકીય રમતોત્સવ આનંદોરાવ બની રહ્યો હતો, જે વિદ્યાર્થીઓના જીવનમાં નવી ઊર્જા અને તાજગી અને ઉત્સાહ ભરી ગયો.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
