News of Thursday, 1st January 2026
અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: ‘પૈસાના વરસાદ’ વરસાવવા માટે પોલીસ ઓફિસરના માતા-પિતાની ઘાતકી હત્યા: ક્રૂરતાની ચરમસીમા, બંને પગ પણ કાપી નાખ્યા: અતીતની અટારીએથી..

બનાસકાંઠા: અહીંના જસરા ગામે જૂન મહિનામાં અંધશ્રદ્ધામાં અંધ બનેલા પાડોશીઓએ જ વૃદ્ધ દંપતીની હત્યા કરી નાખી હતી. આ પાછળ ખતરનાક બાબતો બહાર આવી છે. દેવું વધી જતા રાતોરાત અમીર બનવા અને 'પૈસાનો વરસાદ' કરાવવા માટે ભુવાજીના કહેવાથી આ ભયાનક કૃત્ય આચરવામાં આવ્યું હતું. મૃતક વૃધ્ધ દંપતી સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ શ્રી અજમલ પટેલના માતા-પિતા હતા. આરોપીઓએ હત્યા બાદ તાંત્રિક વિધિ કરવા માટે વૃદ્ધાના બંને પગ કાપી નાખ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના જસરા ગામે ૧૫ જૂન, ૨૦૨૫ ની મધ્યરાત્રિએ અંધશ્રદ્ધાની એક એવી ઘટના બની જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) માં ફરજ બજાવતા પીઆઈ અજમલ વરધાભાઈ પટેલના માતા-પિતા, ૬૦ વર્ષીય વરધાભાઈ પટેલ અને ૫૬ વર્ષીય હોશીબેન પટેલની તેમના જ ખેતરમાં આવેલા મકાનમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
રાતોરાત અમીર બનવાનો લાલચ અને ભુવાનો ખેલ
પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી હતી. આ હત્યા લૂંટના ઈરાદે નહીં પરંતુ અંધશ્રદ્ધાના કારણે થઈ હતી. મુખ્ય આરોપી ૨૦ થી ૨૨ વર્ષીય સુરેશ પટેલ માથે મોટું દેવું હતું. આર્થિક ભીંસમાંથી બહાર આવવા તે દિલીપજી માફાજી ઠાકોર નામના ભુવાના સંપર્કમાં આવ્યો હતો. ભુવાએ સુરેશને કહ્યું હતું કે જો તે કોઈ વૃદ્ધ મહિલાની હત્યા કરી તેના ઘરેણાં (બંગડીઓ/કડલાં) લાવી તેના પર વિધિ કરશે તો 'પૈસાનો વરસાદ' થશે અને તે માલામાલ થઈ જશે.
ચીસો દબાવવા માટે ટ્રેક્ટરનો અવાજ કર્યો
આ હત્યાકાંડને અંજામ આપવા માટે સુરેશ, તેના પિતા શામળાભાઈ અને મામા ઉમાભાઈ પટેલે એક ભયાનક ષડયંત્ર રચ્યું હતું. ૧૫ જૂનની રાત્રે, જ્યારે વૃદ્ધ દંપતી ખાટલામાં સૂઈ રહ્યું હતું, ત્યારે આરોપીઓ ચૂપકીદીથી ઘરમાં પ્રવેશ્યા હતા. કોઈને ચીસો ન સંભળાય તે માટે મામા ઉમાભાઈએ બાજુના ખેતરમાં રોટાવેટર (ટ્રેક્ટર) ચાલુ રાખ્યું હતું, જેથી તેના મોટા અવાજમાં દંપતીની ચીસો દબાઈ જાય.
પગ કાપીને ૨.૫ લાખના કડલાંની લૂંટ
હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારો વડે વરધાભાઈ અને હોશીબેનના ગળા અને છાતીના ભાગે જીવલેણ ઘા કર્યા હતા. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે હોશીબેનના પગમાં પહેરેલા ૨.૫ લાખ રૂપિયાની કિંમતના દોઢ કિલો ચાંદીના કડલાં નીકળતા ન હતા, ત્યારે આરોપીઓએ તેમના બંને પગ ઘૂંટણથી કાપી નાખ્યા હતા અને કડલાં લઈને ફરાર થઈ ગયા હતા. હત્યા બાદ કાકા-ભત્રીજાની જોડીએ પેટ્રોલ પંપ પર ભુવા સાથે મુલાકાત કરી હતી અને ત્યાં જ તાંત્રિક વિધિ કરી હતી.
ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલાયો
શરૂઆતમાં પોલીસને કોઈ સુરાગ મળ્યો ન હતો, કારણ કે હત્યારાઓએ પગના નિશાન પણ મિટાવી દીધા હતા. પરંતુ પોલીસે મોબાઈલ ટાવર ડેટાની તપાસ કરતા આરોપી સુરેશની શંકાસ્પદ હિલચાલ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન સુરેશ વિચિત્ર વર્તન કરવા લાગ્યો હતો અને દાવો કર્યો હતો કે "મારા શરીરમાં મામાદેવ આવે છે અને તે જ બધું કરાવે છે". આખરે પોલીસે કડક પૂછપરછ કરતા ચારેય આરોપીઓ - સુરેશ, તેના પિતા, મામા અને ભુવા દિલીપજીની ધરપકડ કરી છે અને હાલ કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
