<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

જામનગર સહિત સમગ્ર દેશભરમાં આવતીકાલ તા. ૨ જાન્યુઆરી થી ૪ જાન્યુઆરી સુધી કવોડરેન્ટીડ્સ ઉલ્કા વર્ષા નો નઝારો નરી આંખે જોઈ શકાશે

વર્ષ ૨૦૨૬ ના પ્રારંભેજ આપણા નભોમંડળમાં ખગોળીય ઘટના બનશે : સ્વચ્છ અને શહેર ની બહાર અંધકારમય જગ્યાએ કલાકની ૧૦૦ થી વધારે ઉલ્કાઓ જોઈ શકાશે, જોકે આ સમયે ચંદ્ર પણ પ્રકાશીત હોય ઉલ્કાવર્ષા જોવામાં થોડું વિધ્ન બનશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧

વર્ષ ૨૦૨૬ ના પ્રારંભેજ આપણા નભોમંડળમાં ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, અને આવતી કાલે ૨ જાન્યુઆરી થી ૪ જાન્યુઆરી દરમિયાન જામનગર સહિત દેશભર ના આકાશ માં કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષા જોવા મળશે. સ્વચ્છ  અને શહેર ની બહાર અંધકારમય જગ્યાએ કલાકની ૧૦૦ થી વધારે ઉલ્કાઓ જોઈ શકાશે. જોકે આ સમયે ચંદ્ર પણ પ્રકાશીત હોય ઉલ્કાવર્ષા જોવામાં થોડું વિધ્ન બનશે.

  સૂર્ય ની પ્રદક્ષિણા કરતા કેટલાક ધૂમકેતુઓ થોડા અવષેશો મુકી અનંત યાત્રાએ નિકળી પડે છે. પૃથ્વી પોતાની ભ્રમણ કક્ષા દરમિયાન આવા ત્યજી દીધેલ અવષેશો પાસે થી પસાર થાય છે ત્યારે નાના મોટા કણો પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ માં ખેંચાઇ આવે છે, અને પૃથ્વીના વાતાવરણ માં પ્રવેશતાં ઘર્ષણ ને કારણે સળગી ઉઠે છે, જે આપણને ખરતા તારા સ્વરૂપે નજરે પડે છે. અને તેના અવષેશો રાખ સ્વરૂપે પૃથ્વી ઉપર પડે છે. અને આવી રાખ દરરોજ આશરે ૪૦ ટન જેટલી જમા થાય છે.

  જામનગરના ખગોળ મંડળ દ્વારા આગામી ૨ જાન્યુઆરી થી ૪ જાન્યુઆરી દરમિયાન રાત્રિના સમયે આ ઉલ્કાઓ નો નઝારો નરી આંખે અથવા દૂરબીન જેવા સાધનોની મદદથી નિહાળવા માટે સર્વે ખગોળપ્રેમીઓને અનુરોધ કરવામાં આવે છે.તેમ કિરીટભાઈ શાહ(સંયોજક)ખગોળ મંડળ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

(5:01 PM IST)