<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ :સુરત,નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે

અમદાવાદ : નવા વર્ષની શરૂઆતે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો છે.સુરત, નવસારી અને ભાવનગરમાં માવઠું પડ્યું હતું ગીર સોમનાથના વેરાવળ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ગત મોડી રાત્રે વરસેલા વરસાદથી ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે  

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઠંડી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં ધુમમ્સભર્યું વાતાવરણ છવાયું છે. ધુમ્મસના કારણે સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે પણ આહલાદક વાતાવરણ સર્જાયુ છે. આ સાથે જ અમદાવાદમાં 15 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું. હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગ અને નિષ્ણાતના મત મુજબ જાન્યુઆરી મહિનામાં હજુ વધુ પારો ગગડતા ઠંડીમાં વધારો થશે. જાન્યુઆરી મહિનામાં શહેરીજનોએ વધુ ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. તો ઉતરાયણ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહે તેવું અનુમાન છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર એસ.કે. દાસે કહ્યું કે, 24 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આવતીકાલથી લઘુતમ તાપમાન માં 2 થી 4 ડિગ્રી ઘટશે. આવતી કાલથી ઠંડીમાં આંશિક વધારો જોવા મળશે. સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. 

 

અંબાલાલ પટેલે કહ્યુ કે, 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા થશે અને પવનના તોફાનો આવશે. ઉત્તર ભારતમાં શીત લહેરના કારણે ગુજરાતમાં ઠંડી આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમી વિક્ષેપ આવશે, જે ઠંડી લાવશે. 11 જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવશે. 

આગાહીકાર મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે. નલિયામાં ઠંડી 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે

ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે. ઉત્તરાયણના દિવસે સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે. બપોર જતાં પવન ફૂંકાશે અને બપોર બાદ પણ પવન ફૂંકાશે. 

18 થી 21 જાન્યુઆરી પશ્ચિમિ વિક્ષેપ આવશે, જેનાથી ફરીથી ગુજરાતનું હવામાન પલટાશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. 24 જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધશે.

(12:40 AM IST)