News of Friday, 2nd January 2026
A-4 સાઇઝના પેપરો અદાલતોમાં રજુ કરવાના મામલે કોર્ટોમાં કેસ ફાયલીંગ ઉપર ભારે અસર
વકીલોના વકીલાતનામા રજીસ્ટ્રી દ્વારા નહિ સ્વીકારાતા નિર્ણય મોકુફ રાખવા માંગણી

અમદાવાદ, તા., ર : રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-૪ સાઇઝના પેપર પર જ દાખલ કરવાની નવી પધ્ધતિનો આજથી & અમલ કરાયો હતો પરંતુ ફોન્ટ્સ સહિતના મુદ્દે વકીલો-પક્ષકારો, ટાઈપીસ્ટો, સ્ટેનોગ્રાફર્સ સહિતના લોકોમાં ઉભી થયેલી દ્વિધાભરી સ્થિતિને લઈ આજે કોર્ટ કામગીરી પર તેની સીધી અસર વર્તાઇ હતી અને રૂટીન કોર્ટ કામગીરી મંદ પડી હતી. જિલ્લા કોર્ટોમાં રજિસ્ટ્રીએ વકીલો અને તેમના જુનીયરોના વકાલતનામા કે સામાન્ય રીતે લીગલ સાઇઝમાં હોય છે તે પણ એ-૪ સાઇઝના કાગળ પર માંગવાનો આગ્રહ રાખતાં સંખ્યાબંધ વકીલોના વકાલત વિકાલતનામાં પણ સ્વીકારાયા ન હતા, જેને લઈને પણ કેસ ફાઈલીંગને લઈ અસર થઈ હતી.
બીજીબાજુ, રાજયભરના વકીલોમાં, - ટાઈપીસ્ટો, સ્ટેનોગ્રાફર અને પક્ષકારોમાં ખાસ કરીને ગુજરાતી ફોન્ટ સહિતના મુદ્દે દ્વિધાભરી પરિસ્થિતિ ઉભી થઇ હોવાના કારણે વિવિધ વકીલમંડળોથી તરફથી મળેલી રજૂઆતને ધ્યાનમાં લઇ ગુજરાત બાર કાઉન્સીલ તરફથી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ મામલે રજૂઆત કરી વકીલો, ટાઈપીસ્ટો, સ્ટેનોગ્રાફર, પક્ષકારોને નવા ગુજરાતી ફોન્ટ અને સમગ્ર પ્રક્રિયાથી થોડા વાકેફ થવા દેવા સમય આપવા અને ત્યાં સુધી સંબંધિત ફોન્ટ અને ફોર્મેટની અમલવારી મોકુફ રાખવા માંગણી કરવામાં આવી છે. રાજયના વકીલો, ટાઈપીસ્ટો, સ્ટેનોગ્રાફર્સ અને પક્ષકારોમાં - ગુજરાતી અને ઇંગ્લીશ ફોન્ટ સહિતના નિયમોને લઈ એટલી પરિચિતતા નહી હોવાથી દ્વિધાભરી પરિસ્થિતિ ઉભી થવા પામી છે. આ સંજોગોમાં ગુજરાત બાર કાઉન્સીલ તરફથી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાતી ફોન્ટ સહિતની બાબતોને લઈ નવા નિયમો અંગેની સમજ અને પરિચય કેળવતા વકીલો, ટાઈપીસ્ટ, સ્ટેનોગ્રાફર્સ અને પક્ષકારોને થોડો સમય લાગે તેમ છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
