<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સુરત પોલીસનો ‘નો ડ્રગ્સ ઇન સુરત’ અભિયાન હેઠળ મોટો સપાટો : ઉધનામાંથી 5 કિલો ગાંજા સાથે બિહારના બે ભાઈઓ ઝડપાયા

સીપી અનુપસિંહ ગેહલોતનાં માર્ગદર્શનમાં ઉધના પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાવ્યો : ગૃહમંત્રી સંઘવી સહિત સુરતવાસીઓ આફ્રિન

રાજકોટ : સુરત શહેરને નશામુક્ત બનાવવાના ઉમદા હેતુથી શરૂ કરાયેલા ‘નો ડ્રગ્સ ઇન સુરત’ અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસે બાતમીના આધારે દરોડો પાડી લાખોની કિંમતના 5 કિલો ગાંજાના જથ્થા સાથે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ જ્વલંત સફળતા બદલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરતવાસીઓએ પોલીસની કામગીરીને બિરદાવી છે.
સફળ ઓપરેશનની વિગત:
પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી નશીલા પદાર્થોનું દૂષણ ડામી દેવા કડક સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સ્પેશ્યલ સીપી વાંબાગ જમીર, ડીસીપી કાનન દેસાઈ અને એસપી વી.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. ઝાંબરેની સૂચના મુજબ પીએસઆઈ એમ.કે. ઈશારાણી તથા સ્ટાફે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
તપાસ દરમિયાન ઉધના વિસ્તારના પુષ્પાનગર ખાતેથી શંકાસ્પદ હાલતમાં બે શખ્સો મળી આવ્યા હતા, જેમની પાસેથી અંદાજે 5 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નશીલા પદાર્થ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની અટકાયત કરી છે.
પકડાયેલ આરોપીઓની ઓળખ:
પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ બિહારના વતની છે અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા હતા:
૧. મોહમદ સદામહુશેન (ઉંમર વર્ષ ૩૩): રહે. ઘર નંબર ૨૨૫, પુષ્પાનગર, ભાઠેના, ઉધના, સુરત. (મૂળ રહેવાસી: બિહાર)
૨. મોહમદ નુરહુશેન (ઉંમર વર્ષ ૨૭): રહે. ઘર નંબર ૨૨૫, પુષ્પાનગર, ભાઠેના, ઉધના, સુરત. (મૂળ રહેવાસી: બિહાર)
પોલીસની આ કડક કાર્યવાહીથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(8:13 PM IST)