<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવની શુભેચ્છા મુલાકાત

રાજ્યપાલએ પુષ્પગુછ વડે સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા : ડૉ. રાવે પોલીસ વિભાગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કરવામાં આવી રહેલી પ્રગતિ અંગે વિગતો પુરી પાડી

ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે. એલ. એન રાવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી. રાજ્યપાલએ ડૉ. કે, એલ. એન. રાવનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી ઈન્ચાર્જ ડીજીપીની જવાબદારી મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ડૉ. રાવે પોલીસ વિભાગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કરવામાં આવી રહેલી પ્રગતિ અંગે વિગતો પુરી પાડી હતી. તેમણે જણાવ્યું કે, વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં ભોગ બનનારને ઝડપથી ન્યાય મળી રહે તે દિશામાં પોલીસ વિભાગ ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યું છે. તેમજ લોકો સાયબર ક્રાઈમ સામે સતર્ક બને તે માટે લોકજાગૃતિ હેઠળ વિવિધ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, પોલીસ જ્યારે ગામડામાં લોકોની વચ્ચે જઈ સીધો સંવાદ કરે છે ત્યારે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને આત્મીયતા ઉભી થાય છે. તેમણે પોલીસ દ્વારા વધુને વધુ લોકોની સેવા થાય તેવા પ્રયાસોને સતત પ્રોત્સાહન આપવા સૂચન પણ કર્યુ હતુ.

(6:11 PM IST)