તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન માટે પ્રાકૃતિક ખેતી અને શિક્ષણ સૌથી સશક્ત માધ્યમ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે આદિજાતિ વિકાસ વિભાગનું રૂપિયા 3,310 કરોડનું બજેટ: 665 આશ્રમશાળાઓ અને 1000થી વધુ છાત્રાલયો દ્વારા 2 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓ લાભાન્વિત: રાજ્યપાલની અધ્યક્ષતામાં 'લોકભવન' ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત 'લોકભવન' ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, સ્વરોજગાર અને કૃષિ ક્ષેત્રે થઈ રહેલા વ્યાપક સુધારાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા, આદિજાતિ વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, તેમજ તમામ આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના વહીવટીદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના વધતા સ્તર અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણના સમાન દર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે આપણો આદિવાસી સમાજ આર્થિક રીતે સશક્ત બને. હવે સમય આવી ગયો છે કે આદિવાસી વિસ્તારોમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને બાગાયત અપનાવે, જેના થકી તેમની આવકમાં વધારો થાય.
રાજ્યપાલએ આદિવાસી સમાજ દ્વારા ઉગાડવામાં આવતા 'શ્રી અન્ન' (મિલેટ્સ)ની પ્રશંસા કરી હતી. રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું કે જો પરિવારના તમામ સભ્યો સામૂહિક પુરુષાર્થ સાથે આગળ વધશે, તો પ્રગતિની ગતિ દસ ગણી વધી જશે.
રાજ્યપાલએ અધિકારીઓને તાકીદ કરી હતી કે, શિક્ષણની ગુણવત્તામાં ક્યાંય બાંધછોડ ન થવી જોઈએ. તેમણે આદિવાસી સમુદાયોના બંધારણીય અધિકારોની સુરક્ષા અને તેમના જીવનધોરણને ઉંચુ લાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
નોંધનીય છે કે, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં આદિવાસી જનસંખ્યા 89.17 લાખ છે, જે રાજ્યની કુલ વસ્તીના 14.8% જેટલી છે. દેશની કુલ આદિવાસી વસ્તીના 8.1% લોકો ગુજરાતના 14 જિલ્લાના 5,884 ગામોમાં વસવાટ કરે છે.
આદિજાતિ વિકાસ વિભાગના વર્ષ 2025-26ના કુલ બજેટમાં શિક્ષણ માટે સૌથી વધુ ₹3,310.67 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં 457 પ્રાથમિક, 164 માધ્યમિક અને 44 ઉચ્ચતર માધ્યમિક
મળી કુલ 665 આશ્રમશાળાઓ કાર્યરત છે, જેમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
રાજયની કુલ 74 આદર્શ નિવાસી શાળાઓમાં 11,760 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. આ શાળાઓનું SSC બોર્ડનું પરિણામ 97.23% જેટલું ઊંચું રહ્યું છે. રાજ્યમાં 171 સરકારી અને 893 અનુદાનિત છાત્રાલયો, 21 સમરસ છાત્રાલયો મળીને કુલ 1,000 થી વધુ છાત્રાલયોમાં 74,000 થી વધુ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ, પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ, વિદ્યા સાધના યોજના થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
શિક્ષણની સાથે પોષણ પર ભાર મૂકતા સરકાર દ્વારા 8,866 પ્રાથમિક અને આશ્રમશાળાઓના 7 લાખથી વધુ બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ દરરોજ 200 મિલી ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.
રાજ્યમાં 09 વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો દ્વારા અત્યાર સુધી 62,000 થી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. વનબંધુ કલ્યાણ યોજના-1' હેઠળ રૂપિયા 1.06 લાખ કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત સખી મંડળો દ્વારા સંચાલિત નાહરી કેન્દ્રો માટે પણ સહાય ચુકવવામાં આવે છે
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
