News of Saturday, 3rd January 2026
તંત્રનું ધ્યાન નહી જતા, જાત મહેનત ઝિંદાબાદ: ડેડીયાપાડાના લાડવા, મોજરા ગામ વચ્ચેની નદી પર ગ્રામજનો જાતે શ્રમદાન કરી કાચો પુલ બનાવવા મજબૂર
પુલ નહી હોવાથી બીમાર દર્દી કે સગર્ભા મહિલાને લઈ જવા હોય તો 35 થી 40 કી.મી.ફરીને જવું પડતું હોય જેમાં ક્યારેક રસ્તામાં કોઈકનું મૃત્યુ પણ થાય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓ જેવાકે લાડવા, ફુલસર, કંજાલ, બેબાર, દૂથર અને ગઢ જેવા ગામડાઓમાં નદી ઉપર પુલ ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બધા ગામના લોકોને પોતાના જિલ્લામાં ઓફિસના કોઈ પણ સરકારી કામકાજને લઈને જવા અથવા કોઈ પણ દર્દીને તેમજ બહેનોને પ્રસૂતા ઉપડે તો રાજપીપળા કે વડોદરા ખાતે લઈ જવા માટે ૩૫થી ૪૦ કિલોમીટર સુધી ફરીને જવું પડતું હોય છે. ત્યારે લાબું અંતર કાપતા દર્દીને અને પ્રસૂતા બહેનોને પ્રસૂતા કરાવતા પેહલા જ રસ્તામાં ડિલિવરી થઈ જતી હોય છે. અને કેટલાક દર્દીઓ તો લાંબા અંતરના કારણે રસ્તામાં મૃત્યુ પણ પામે છે. અને અંદરના ગામડાઓ હોવાના કારણે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો બદલીઓ કરાવીને અન્ય જગ્યા એ જતા રહેતા હોય છે. જેથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે આદિવાસીઓના બાળકોના શિક્ષણ પર ગંભીર અસરો જોવા મળી રહે છે. લાડવા તથા અન્ય ગામોમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારી કચેરીઓમાં એક પણ વિધાર્થી પટાવાળો જેવી પોસ્ટ પર લાગી શક્યો નથી.
રાહદારીઓએ જણાવ્યું હતું કે ક્યારેક અમારે સરકારી અમુક યોજનાઓથી પણ વંચિત રહી જવું પડતું હોય છે, જેમકે સસ્તા અનાજની દુકાને જવા માટે ચોમાસામાં ગોડાપુર નદી બંને કાઠે વહેતી હોય છે. ત્યારે સામે કિનારે ગાજરગોટા ગામમાં સસ્તા અનાજની દુકાન આવેલી હોય ત્યાં અમે જઈ શકતા નથી અને ચોમાસાના આવા કપરા સમયમાં લાબું અંતર કાપીને જવા માટે આર્થિક સગવડ ન હોવાથી મફત અનાજ લેવા જવા માટે મુશ્કેલ થઈ જાય છે. જેથી ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના લોકો સસ્તા અનાજની દુકાને સરકારના મફત અનાજ થી વંચિત રહી જાય છે અને દર વર્ષે અહીંના લોકોની દયનીય હાલત જોઈને કાબરીપઠાર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દિવાનજીભાઈ ના અથાગ પ્રયત્નો થકી અને લાડવા ગામના ભાઈઓ અને બહેનોના શ્રમદાન થકી આ નદી ઉપર દર વર્ષની જેમજ ચાલુ વર્ષે પણ કામચલાઉ પૂલ બનાવવા મજબૂર થવું પડ્યું છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
