<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

ગાંધીનગરમાં ‘સ્માર્ટ સિટી’ ના નામે મોતનું પાણી? ગટર મિશ્રિત પાણીએ શહેરને ટાઇફોઇડના ભરડામાં લીધું: 100થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ

સેક્ટર-24, 28 અને આદિવાડામાં નવી પાઈપલાઈનોના ભંગાણથી ફેલાયો ભયાનક રોગચાળો; પોઝિટિવ કેસોમાં 50% નો ઉછાળો આવતા સિવિલમાં નવા વોર્ડ ખોલવા પડ્યા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ સ્થિતિનો તાગ મેળવ્યો

ગાંધીનગર: સ્માર્ટ સિટી બનવા તરફ અગ્રેસર ગાંધીનગરના જૂના સેક્ટરોમાં અત્યારે વિકાસના નામે વિનાશ વરસી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના સેક્ટર-24, 28 અને આદિવાડા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત નખાયેલી નવી પાઈપલાઈનો આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ છે. પાઈપલાઈનમાં ગટરનું ગંદું પાણી ભળી જવાની ઘોર બેદરકારીના કારણે ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે. આ અશુદ્ધ પાણી પીવાથી અત્યાર સુધીમાં 100થી વધુ નિર્દોષ બાળકો સહિત અનેક નાગરિકો સિવિલ હોસ્પિટલના બિછાને છે. છેલ્લા 24 કલાકમાં જ 15 નવા શંકાસ્પદ કેસો નોંધાતા સમગ્ર ગાંધીનગરમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. મીતાબેન પરીખના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં ટાઇફોઇડના પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો તોતિંગ વધારો થયો છે. ખાસ કરીને 1 થી 16 વર્ષના બાળકો આ પ્રદૂષિત પાણીનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. હાલમાં હોસ્પિટલના F2 અને E2 વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જેમાં 104 જેટલા બાળકો સારવાર હેઠળ છે. દર્દીઓનો અવિરત ધસારો જોતા તંત્રને તાત્કાલિક ધોરણે 'વોર્ડ નંબર 604' ને કાર્યરત કરવાની ફરજ પડી છે. મેડિકલ તપાસમાં વિડાલ ટેસ્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટમાં ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા છે, જે સીધા જ પાણીના પ્રદૂષણ તરફ આંગળી ચીંધે છે.
આ ગંભીર પરિસ્થિતિને પગલે રાજકીય આલમમાં પણ હલચલ મચી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલેક્ટર સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરી પળેપળની માહિતી મેળવી છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ તંત્રને કડક સૂચનાઓ આપી છે. હાલમાં 22 સ્પેશિયલ ડોક્ટરોની ટીમ અને 80થી વધુ આરોગ્ય કર્મચારીઓની 40 ટુકડીઓ મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમોએ અત્યાર સુધીમાં 10,000 થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધર્યું છે. રેપિડ રિસ્પોન્સ ટીમના રિપોર્ટમાં સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે કે વિતરણ થતું પાણી પીવાલાયક નહોતું, જે તંત્રની મોટી નિષ્ફળતા દર્શાવે છે.
બીજી તરફ, ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે સ્માર્ટ સિટીના નામે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે, જેના કારણે પાઈપલાઈનોમાં વારંવાર ભંગાણ પડે છે અને ગટરનું પાણી પીવાના પાણીમાં ભળે છે. વસાહત મહાસંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો આ જોખમી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધીનગરના નાગરિકો 'જનઆંદોલન' છેડશે. હાલ તંત્ર દ્વારા 10 જેટલા લીકેજ શોધીને રિપેર કરવામાં આવ્યા છે અને પાણીનું સુપર ક્લોરિનેશન શરૂ કરાયું છે, પરંતુ મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણીથી થયેલા 16 મોતની ઘટનાને જોતા ગાંધીનગરવાસીઓમાં હજુ પણ ભયનો માહોલ છે.

(11:05 AM IST)