News of Sunday, 4th January 2026
વીજળીના કરંટથી પગ ગુમાવ્યા પણ હિંમત નહીં! હવે પ્રોસ્થેટિક પગના સહારે ઓલિમ્પિકના સપનાને આંબવા દોડશે થરાદનો ‘ગગદાસ’
ખેતમજૂરના દીકરાએ શૂન્યમાંથી સર્જ્યું સર્જન: અકસ્માતમાં બંને પગ કપાયા હોવા છતાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતી મિશાલ કાયમ કરી, હવે ૧૫ લાખના અત્યાધુનિક પગ સાથે ઈન્ટરનેશનલ મેદાન ગજવવા સજ્જ

થરાદ: બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ-થરાદના એક નાના એવા ગામમાં જન્મેલા ગગદાસ પરમારની જીવનકથા કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. વર્ષ 2017 માં એક અશુભ ઘડીએ લાગેલી વીજળીના ઝટકાએ ગગદાસના બંને પગ છીનવી લીધા હતા. જે ઉંમરે યુવાનો કરિયર બનાવવાના સપના જોતા હોય, તે ઉંમરે ગગદાસને હોસ્પિટલના બિછાને રહી બંને પગ ગુમાવવાની પીડા સહન કરવી પડી હતી. ખેતમજૂરી કરતા પિતા થાનાભાઈએ પોતાના ગજા બહારનો 10 લાખ રૂપિયાનો ખર્ચ કરીને દીકરાનો જીવ તો બચાવ્યો, પણ દીકરો ક્યારેય ચાલી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન હતો. જોકે, કુદરતે પગ છીનવ્યા હતા પણ તેની પાંખોમાં એવો આત્મવિશ્વાસ ભર્યો હતો કે તે આજે પવન વેગે દોડી રહ્યો છે.
શારીરિક લાચારીને માનસિક શક્તિમાં બદલવા માટે ગગદાસે પાલનપુરની વાટ પકડી હતી. વિદ્યામંદિર શાળાની દિવ્યાંગ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ગગદાસને કોચ નીલેશભાઈ રબારી તરીકે એક સાચા પથદર્શક મળ્યા. કોચની પારખુ નજરે ગગદાસમાં રહેલા ખેલાડીને ઓળખી લીધો અને તેને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યો. માત્ર છ મહિનાની આકરી તાલીમ અને લોખંડી મનોબળના જોરે ગગદાસે ડિસ્ક થ્રો અને પેરા પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતીને સાબિત કરી દીધું કે 'મન હોય તો માળવે જવાય'. તેની આ સફળતાએ સાબિત કર્યું કે વિકલાંગતા શરીરમાં હોય છે, મનમાં નહીં.
રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સામાન્ય પ્રોસ્થેટિક પગ પૂરતા નહોતા. પેરા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચંદ્રક જીતવા માટે એડવાન્સ પ્રોસ્થેટિક 'સ્પોર્ટ્સ બ્લેડ્સ'ની જરૂર હતી, જેની કિંમત આશરે 14 થી 15 લાખ રૂપિયા જેટલી થાય છે. આટલી મોટી રકમ એક ગરીબ પરિવાર માટે સ્વપ્ન સમાન હતી, પરંતુ ગગદાસની મહેનત અને સામાજિક સંસ્થાઓ તેમજ સરકારના સહયોગથી આજે આ ખેલાડીને નવું બળ મળ્યું છે. એડવાન્સ પગ મળ્યા બાદ હવે ગગદાસના પગમાં જાણે વીજળીનો વેગ આવ્યો છે અને તે મેદાન પર પ્રેક્ટિસ કરતા પરસેવો પાડી રહ્યો છે.
હાલ ગગદાસ પરમારનું એકમાત્ર લક્ષ્ય પેરા ઓલિમ્પિકમાં ત્રિરંગો લહેરાવવાનું છે. તેની સફર એવા દરેક યુવાન માટે પ્રેરણા સ્ત્રોત છે જે નાની મુશ્કેલીઓમાં હારી જતા હોય છે. થરાદના આ યુવાને સાબિત કર્યું છે કે જો પરિવારની હૂંફ, સાચો ગુરુ અને અટલ આત્મવિશ્વાસ હોય તો નસીબની રેખાઓ પણ બદલી શકાય છે. આજે ગગદાસ માત્ર દોડી નથી રહ્યો, પણ તે હજારો દિવ્યાંગોના સપનાઓને પાંખો આપી રહ્યો છે. ભારતને આશા છે કે આગામી સમયમાં ગગદાસ ઈન્ટરનેશનલ પેરા ગેમ્સમાં દેશનું નામ રોશન કરશે અને ગોલ્ડ મેડલ સાથે વતન પરત ફરશે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
