તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th January 2026
સુરેન્દ્રનગરમાં 'ધરતી' ફાટી ને ભ્રષ્ટાચાર નીકળ્યો: ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર બાદ હવે પીએ અને કારકુનનો પણ વારો
ભ્રષ્ટાચારના આ અબજો રૂપિયાના ખેલમાં ઈડીની એન્ટ્રી બાદ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ જેલના સળિયા ગણી રહ્યા છે, ત્યારે તેમના કાળા કારનામામાં સાથ આપનાર પીએ જયરાજસિંહ અને નાયબ મામલતદાર સહિતના સાગરીતો સામે પણ કાયદાનો ગાળિયો કસાયો

સુરેન્દ્રનગર:ઝાલાવાડની ધરતી પર આચરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા અને આશરે ૧૫૦૦ કરોડ રૂપિયાના જમીન કૌભાંડે સમગ્ર રાજ્યના વહીવટી તંત્રમાં ફફડાટ મચાવી દીધો છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ દ્વારા બિનખેતી (NA) જમીનની મંજૂરી પ્રક્રિયામાં જે કથિત ગેરરીતિઓ આચરવામાં આવી હતી, તેમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસ બાદ મોટા ખુલાસા થયા છે. કલેક્ટરની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં કલેક્ટરની 'કોતરી' ગણાતા તેમના અંગત મદદનીશ (PA) અને મહેસૂલી કર્મચારીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે, આ આખું કૌભાંડ એક સુનિયોજિત નેટવર્કની જેમ ચાલતું હતું. જમીનની ફાઈલોને મંજૂરી આપવા માટે લાખો-કરોડો રૂપિયાના 'વહીવટ' કરવામાં આવતા હતા. કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કારકુન મયૂરસિંહ ગોહિલની મિલીભગતથી ફાઈલોની ગોઠવણ થતી હોવાનું ખુલ્યું છે. આ કર્મચારીઓ કલેક્ટર અને અરજદારો વચ્ચે કડી બનીને લાંચની રકમની હેરાફેરી કરતા હતા, જે અંગે હવે પોલીસે વિધિવત રીતે એફ.આઈ.આર. નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ કૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને કરોડોની કિંમતની જમીનોને પાણીના ભાવે ખેતીમાંથી બિનખેતીમાં ફેરવી દેવામાં આવી હતી. રાજેન્દ્ર પટેલ જ્યારે કલેક્ટર પદે હતા, ત્યારે એક જ દિવસમાં અનેક ફાઈલો પર સહીઓ કરીને તિજોરી ભરી લેવામાં આવી હોવાના પુરાવા પણ ઈડીના હાથમાં લાગ્યા છે. અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા, પરંતુ હવે જેલના સળિયા પાછળ ધકેલીને રાજ્ય સરકારે ભ્રષ્ટ અધિકારીઓને કડક સંદેશ આપ્યો છે.
હાલમાં સુરેન્દ્રનગર પોલીસ અને તપાસ એજન્સીઓ આ કર્મચારીઓની મિલકતોની પણ વિગતો એકઠી કરી રહી છે. એવી શંકા સેવાઈ રહી છે કે, આ નાના કર્મચારીઓએ પણ ભ્રષ્ટાચારની કમાણીમાંથી અઢળક સંપત્તિ વસાવી છે. આ સમાચારને પગલે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં સન્નાટો છવાઈ ગયો છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં હજુ પણ કેટલાય મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
