<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

નવસારીની વિશ્‍વવિખ્‍યાત કેરી પર સંકટ

કમોસમી વરસાદ અને વાતાવરણમાં બદલાવથી પાકને નુકશાનીની સંભાવના

નવસારીઃ દક્ષિણ ગુજરાતનું ગૌરવ અને બાગાયતી પાકોનું હબ ગણાતો નવસારી જિલ્લો હાલ કુદરતના બદલાતા મિજાજનો ભોગ બન્યો છે. જે સમય આંબા પર મંજરી (મોર) ખીલવાનો અને ચીકુના પાકને પોષણ મળવાનો હતો, તેવા સમયે જ કમોસમી વરસાદ અને વિચિત્ર હવામાને ખેડૂતોના શ્વાસ અધ્ધર કરી દીધા છે.

 

ચાલુ વર્ષે ખેડૂતો એકસાથે ત્રણ મોરચે લડી રહ્યા છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસ, બપોરે દઝાડતી ગરમી અને રાત્રે પડતી અતિશય ઝાકળ. આ મિશ્ર વાતાવરણ બાગાયતી પાક માટે ‘ઝેર’ સમાન સાબિત થઈ રહ્યું છે. નવસારી જિલ્લામાં અંદાજે 70 હજાર હેક્ટર જમીન પર બાગાયતી પાકોનું વાવેતર થાય છે. ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે આંબા પર મોર બેસવાની પ્રક્રિયા ચરમસીમાએ હોય, ત્યારે જ વાતાવરણમાં આવેલા પલટાએ ફ્લાવરિંગને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.

 

હવામાન વિભાગની આગાહી મુજબ, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ નવસારી, મરોલી અને વેસ્મા સહિતના વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે રહી-સહી કસર પૂરી કરી દીધી છે. વરસાદને કારણે આંબાનો મોર કાળો પડી રહ્યો છે અને ફૂગ આવવાની શક્યતા વધી ગઈ છે. જો આ મોર ખરી પડશે, તો સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. બીજી તરફ ચીકુના ફળોના કદ વધવાની પ્રક્રિયામાં પણ અવરોધ આવ્યો છે.

 

બાગાયતી ખેતીમાં મોટું રોકાણ કરનાર ખેડૂતો હવે ચિંતિત છે. જો વારંવાર માવઠું થશે, તો દવાનો છંટકાવ અને મજૂરીનો ખર્ચ વધી જશે, જ્યારે સામે ઉત્પાદન ઘટવાની પૂરી શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો દેવાદાર બનવાનો વારો આવશે.

(3:26 PM IST)