<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

અમદાવાદના ઇન્‍દીરા બ્રીજમાં કોઇપણ પ્રકારની ખામી નથીઃ અફવાઓથી દૂર રહેવ઼ુઃ કોર્પોરેશન દ્વારા અપીલ

ગાંધીનગરને જોડતા પુલમાં તિરાડો હોવાના અહેવાલો બાદ ચકાસણી કરાયેલઃ તિરાડો છે તે એકસ પાન્‍સન જોઇન્‍ટ હોવાનું તંત્રએ જણાવ્‍યું

અમદાવાદ–ગાંધીનગરને જોડતા મહત્વપૂર્ણ ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવાના અહેવાલો તાજેતરમાં વિવિધ માધ્યમોમાં સામે આવ્યા હતા. આ માહિતી સામે આવતા અમદાવાદીઓમાં ચિંતા જોવા મળી હતી. આ પછી ગાંધીનગર કાર્યપાલક ઇજનેર તથા પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સંયુક્ત રૂબરૂ ચકાસણી કરી હતી. જે પછી કહેવામાં આવ્યું કે  આ તમામ દાવાઓ ખોટા અને ભ્રામક હોવાનું સ્પષ્ટ થયું છે. બ્રિજમાં જે તિરાડ છે તે  કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી પરંતુ બ્રિજના બે સ્પાન વચ્ચે રાખવામાં આવેલ 'એક્સપાન્શન જોઈન્ટ'  હોવાનુ જણાવ્યું હતું.

પાટનગર યોજના વિભાગ-3 ના કાર્યપાલક ઇજનેર તથા પેટા વિભાગ-18 ના નાયબ કાર્યપાલક ઇજનેરે બ્રિજની રૂબરૂ તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જેને તિરાડ તરીકે રજૂ કરવામાં આવી રહી છે તે બ્રિજના બે સ્પાન વચ્ચે રાખવામાં આવેલ ‘એક્સપાન્શન જોઈન્ટ’ છે. આ એક્સપાન્શન જોઈન્ટ સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ તાપમાનમાં થતા ફેરફારને કારણે મટીરીયલમાં થતી વિસ્તૃતિ અને સંકોચનને સંભાળવા માટે મૂકવામાં આવે છે અને તે કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી.

ઇન્દિરા બ્રિજની સમયાંતરે નિયમિત તાંત્રિક તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં ‘ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ’ દ્વારા કરવામાં આવેલી સંપૂર્ણ ટેક્નિકલ ઓડિટમાં પણ બ્રિજની મુખ્ય સંરચનામાં કોઈપણ પ્રકારની ખામી જોવા મળી નથી. તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ઇન્દિરા બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકો કોઈપણ પ્રકારના ભય વગર તેનો ઉપયોગ કરી શકે. સાથે જ પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા જણાવ્યું છે.

(3:57 PM IST)