<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

છોટાઉદેપુરમાં: ખેતરમાં કપાસની આડમાં થતું ગાંજાનું વાવેતર ઝડપાયું: રૂ. 62.39 લાખનો મુદ્દામાલ જપ્તઃ એકની ધરપકડ

પોલીસનો બાતમીના આધારે દરોડોઃ ૧ર૪ કિલો ગાંજો પકડાયો

છોટાઉદેપુર: ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે છોટાઉદેપુર જિલ્લા  SOG પોલીસે એક મોટી સફળતા મેળવી છે. જિલ્લાના કવાંટ તાલુકાના સીંગલદા ગામેથી પોલીસે લાખોની કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.

 

છોટાઉદેપુર એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કવાંટના સીંગલદા ગામમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં અન્ય પાકની આડમાં પ્રતિબંધિત ગાંજાનું વાવેતર કર્યું છે. આ બાતમીને આધારે પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી સીંગલદા ગામના રહેવાસી ભગુ બુઠીયાભાઇ રાઠવાના ખેતરમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

 

પોલીસની તપાસ દરમિયાન ખેતરમાં કપાસના પાકની વચ્ચે છુપાવેલા ગાંજાના લીલાછમ છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 151 નંગ ગાંજાના છોડ જપ્ત કર્યા. જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ જેટલું થાય છે. બજાર કિંમત મુજબ આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.62,39,500 આંકવામાં આવી છે.

 

પોલીસે આ મામલે ખેતર માલિક ભગુ રાઠવાની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી છે. તેની સામે કવાંટ પોલીસ મથકમાં NDPSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ક્યારથી કરવામાં આવતું હતું અને આ જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લા પોલીસની આ કામગીરીથી નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(4:25 PM IST)