<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

પાટણમાં ગાયોના વાડામાં પકડાયું અખાદ્યપાણીપુરીનું મોટું કૌભાંડઃ પ૦૦ કિલો સડેલા બટેટા-રેશનીંગ વસ્‍તુઓ જપ્‍ત

પાલીકાના અધિકારીઓને મીરા રોડ વિસ્‍તારમાં સફાઇ દરમિયાન મળી સફળતા

પાટણઃ શહેરની સ્વચ્છતા માટે નીકળેલા પાટણ નગરપાલિકાના અધિકારીઓ માટે મીરા દરવાજા વિસ્તારમાં હાથ ધરાયેલું સફાઈ અભિયાન એક મોટા ખુલાસાનું નિમિત્ત બન્યું છે. નગરપાલિકાને જાણે ‘બગાસું ખાતા પતાસું’ મળ્યું હોય તેમ, રખડતી ગાયોના મુદ્દે તપાસ કરવા ગયેલી ટીમને પશુઓના વાડામાંથી પાણીપુરી બનાવવાનું આખું નેટવર્ક મળી આવ્યું છે.

 

નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓ જ્યારે મીરા દરવાજા વિસ્તારમાં સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે રસ્તે રખડતી ગાયોના કારણે તેઓ પશુઓના વાડા સુધી પહોંચ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે તેમને પશુઓ માટેના વાડામાં ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી રહેણાક ઓરડીઓ જોવા મળી. પશુ માલિકોએ આ વાડાઓમાં પાકા બાંધકામ કરી પરપ્રાંતીય શખ્સોને રહેવા માટે ભાડે આપી દીધા હતા.

 

આ ઓરડીઓમાં તપાસ કરતા અત્યંત ગંદકી અને અસહ્ય દુર્ગંધ જોવા મળી હતી. આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોય તેમ, ત્યાંથી પાણીપુરીમાં વપરાતા 500 કિલો સડેલા બટાકા અને અન્ય અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમત રમાતી હોવાનું જોઈ પાલિકાની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

 

રેશનિંગના અનાજનો ગેરકાયદે ઉપયોગ

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી કે ગરીબો માટે સસ્તા અનાજની દુકાનેથી મળતું સરકારી મીઠું અને ચણાનો જથ્થો પણ અહીંથી મળી આવ્યો હતો. આ જથ્થાનો ઉપયોગ પાણીપુરી બનાવવામાં થતો હોવાની આશંકા છે. આ મામલે ચીફ ઓફિસરે તુરંત જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી હતી.

 

પાલિકાએ 500 કિલો સડેલા બટાકા અને 5 કિલો ચણાનો જથ્થો નાશ કર્યો છે. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તમામ પાણીપુરી વેચનારાઓના ફૂડ લાયસન્સની ચકાસણી હાથ ધરી છે. ગેરકાયદે બાંધકામ અને સરકારી અનાજના દુરુપયોગ બદલ કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે.

 

આ ઘટનાએ પાટણ શહેરમાં ખાણીપીણીની લારીઓ પાછળ છુપાયેલી ગંદકી અને ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે.

(4:26 PM IST)