<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

સુરેન્‍દ્રનગર કલેકટર રાજેન્‍દ્ર પટેલને સસ્‍પેન્‍ડ કરાયા બાદ બદલીનો દૌર

કલેકટરના પી.એ. જયરાજસિંહ ઝાલાની મુળી, કારકુન મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા બદલી : કલેકટરની ઘરવખરી ગાંધીનગર મોકલી દેવાઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. પઃ ઇડી વિભાગના દરોડા બાદ સુરેન્‍દ્રનગર જિલ્લાના કલેકટર કચેરીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ઇડી વિભાગના દરોડા બાદ આવક કરતા વધુ સંપત્તિ હોવા મુદ્દે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પૂર્વ કલેકટર રાજેન્‍દ્ર પટેલ અને તેના પીએ જયરાજસિંહ ઝાલા અને મયુરસિંહ ગોહિલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ તમામ ફરિયાદની તપાસ એસીબી વિભાગને સોંપવામાં આવી છે ત્‍યારે ઇડી વિભાગ એ પણ વધુ તપાસ હાથ ધરી અને રાજેન્‍દ્ર પટેલની ધરપકડ કરી અને તેના રિમાન્‍ડ માંગી અને પૂછપરછ હાથ ધરી છે.

જમીન પ્રકરણોમાં વ્‍યાપક કૌભાંડ આચરવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે ત્‍યારે સુરેન્‍દ્રનગરના અધિક કલેકટર આર.કે ઓઝા અને ચીટનીશ મયુર દવે ઉપર પણ હવે લટકતી તલવાર છે ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ થવાના એંધાણ અને ભણકારા વાગી રહ્યા છે તે વચ્‍ચે હવે સુરેન્‍દ્રનગર કલેક્‍ટર કચેરીમાં ભ્રષ્ટાચારી અધિકારીઓની બદલીઓ કરી અને તાલુકા લેવલે મૂકી દેવામાં આવ્‍યા છે.

જેમાં વર્ષોથી સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરના પી.એ તરીકે ફરજ બજાવતા અને અનેક કલેકટરના પર્સનલ આસિસ્‍ટન્‍ટ તરીકે રહી ચૂકેલા જયરાજસિંહ ઝાલા ને પણ બદલી કરી અને મુળી ખાતે મૂકી દેવામાં આવ્‍યા છે આ ઉપરાંત સુરેન્‍દ્રનગર માં ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલ ની પણ બદલી કરી અને તેને ધાંગધ્રા મૂકી દેવામાં આવ્‍યા છે..

હાલમાં કલેક્‍ટર કચેરીમાં સોપો પડી ગયો છે ત્‍યારે હવે ઇડીના દરોડા બાદ બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે સુરેન્‍દ્રનગરની કલેકટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં પણ હવે ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે તે વચ્‍ચે હવે સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરના સરકારી બંગલામાં અત્‍યાર સુધી રાજેન્‍દ્ર પટેલના નિવાસસ્‍થાન તરીકે રાખવામાં આવ્‍યું હતું પરંતુ તેની ઇડી દ્વારા અટકાયત કરી લેવામાં બંગલો ખાલી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

બંગલામાં પડેલા સામાન ગાંધીનગર ખાતે આવેલા મકાન ખાતે ખસેડવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને સરકારી બંગલો રાજેન્‍દ્ર પટેલ દ્વારા અંતે ખાલી કરવામાં આવ્‍યો છે ટૂંક સમયમાં પરિવાર પણ ત્‍યાં સ્‍થાયી થઈ શકે તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે ત્‍યારે આ તમામ બાબતો વચ્‍ચે જમીન કૌભાંડ મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે બદલીઓ અને સરકારી બંગલાઓ પણ હવે ખાલી થવા લાગ્‍યા છે.

(11:56 AM IST)