<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

મહુવા બગદાણા માર મારવાના કેસમાં સરકારનું મોટું પગલું : 5 સભ્યોની SIT ટીમની રચના કરાઈ

IPS જયવીર ગઢવીના નેતૃત્વમાં ટીમ તપાસ કરશે : દરરોજ સરકારને રિપોર્ટ સોંપવા આદેશ

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા મહુવા તાલુકાના બગદાણા ખાતે નવનીતભાઈ બાળધિયાને થયેલા માર મારવાના ગંભીર કેસમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે

આ કેસની પારદર્શક તપાસ માટે સરકાર દ્વારા મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) ની અધ્યક્ષતામાં 5 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે

 કોળી યુવક પર થયેલા હુમલાના કેસમાં ઉગ્ર બનેલા રાજકીય અને સામાજિક આક્રોશ બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેસની તટસ્થ તપાસ માટે 5 સભ્યોની SIT ની રચના કરવામાં આવી છે. આ ટીમની કમાન ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ને સોંપવામાં આવી છે.

જે SITની રચના કરવામાં આવી છે તેમાં અધ્યક્ષ તરીકે ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક IPS જયવીર ગઢવી, તેમજ સભ્ય તરીકે બોટાદ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજા, પો.સ.ઈ. પી.જે. વાળા, એલ.સી.બી. બોટાદના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, એલ.સી.બી. બોટાદના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ ખાંભલા સહિતના અધિકારીઓનો આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. SITની રચના થતા તપાસમાં મોટો વળાંક આવવાની શક્યતા છે. આ ટીમ દરરોજની તપાસનો રિપોર્ટ સીધો સરકારને સબમિટ કરશે.

કોળી સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ અને ધારાસભ્યોએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ રાજેશ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત 15 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. પરસોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ નેતાઓએ એકસૂરે નવનીત બાલધિયાને ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી.

(6:26 PM IST)