News of Monday, 5th January 2026
દેડીયાપાડા : સુરક્ષા સેતુ સોસાયટી અને શિવમ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન

( ભરત શાહ દ્વારા ) નર્મદા : સુરક્ષા સેતુ સોસાયટી, દેડીયાપાડા તેમજ શિવમ ગ્રુપના સંયુક્ત આયોજને યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટનો રવિવારે અંતિમ દિવસ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. ફાઇનલ મેચમાં શિવશક્તિ ઇલેવન ગાજરગોટા અને જય અંબે લાયન્સ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો, જેમાં જય અંબે લાયન્સે ભવ્ય વિજય મેળવી ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી.
વિજયી ટીમ જય અંબે લાયન્સને પ્રથમ ઇનામ તરીકે ટ્રોફી સાથે રૂ. 51,000/- રોકડ ઇનામ આપવામાં આવ્યું, જ્યારે ઉપવિજયી ટીમ શિવશક્તિ ઇલેવન ગાજરગોટાને રૂ. 25,000/- સાથે ટ્રોફી આપવામાં આવી.
આ ટુર્નામેન્ટ માટેની ટ્રોફીનું પ્રાયોજકત્વ ચામુંડા સ્ટીલના ભગીરથ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. વિશેષ વાત એ રહી કે ટ્રોફી ખુદ સ્ટીલમાંથી તૈયાર કરાવવામાં આવી હતી, જે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પી.આઈ. શ્રી શેરસાથ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હાથે વિજયી ટીમને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમી પ્રેક્ષકો હાજર રહ્યા હતા.
ટુર્નામેન્ટ ખૂબ જ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં સંપન્ન થયું હતું. આ સફળ આયોજન પાછળ ગામના આગેવાનો તથા દિનેશ ભાઈ સરપંચ, ખોખરાઉંમર, સ્થાનિક યુવાનોનો નોંધપાત્ર સાથ-સહકાર મળ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું. આયોજક મંડળે તમામ ખેલાડીઓ, પ્રેક્ષકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
