News of Monday, 5th January 2026
જાણીતા ઉદ્યોગપતિ ગોકુલ જયકૃષ્ણએ FICCI-ગુજરાતના ચેરમેન તરીકેનો કાર્યભાર સાંભળ્યો
ઇન્ડસ્ટ્રીના હિતમાં ઉપરોક્ત લક્ષ્યોને હાંસલ કરવા માટે કાઉન્સિલ દ્વારા ઉદ્યોગ અને સરકાર વચ્ચે સમર્પિત ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે.

અમદાવાદ :જાણીતા ઉદ્યોગપતિ ગોકુલ જયકૃષ્ણએ FICCI-ગુજરાતના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝ (MSME) ના વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક કાર્યલક્ષી પ્લેટફોર્મ તરીકે કાઉન્સિલની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો છે.
ગોકુલ જયકૃષ્ણ(57), કેમિકલ એન્ડ પીગમેન્ટ સેક્ટર(રસાયણો અને રંગદ્રવ્ય ક્ષેત્ર)ની અગ્રણી કંપની, અસાહી સોંગવોન કલર્સ લિમિટેડના સીઈઓ અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. તેમના નેતૃત્વ હેઠળ, FICCI ગુજરાત, AI અપનાવીને પ્રોડક્ટિવિટીમાં સુધારો કરવાને પ્રાથમિકતા આપશે. આની સાથે જ, ઉદ્યોગના વિકાસને અનુકૂળ પરિણામો પ્રાપ્ત કરવા માટે સરકાર સાથે સહયોગ સાધીને કામ કરશે.
જયકૃષ્ણએ જણાવ્યું હતું કે આ કાઉન્સિલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'મેક ઇન ઇન્ડિયા' પહેલ અને વ્યાપક રાષ્ટ્રીય આર્થિક એજન્ડા સાથે સુસંગત હોય તે રીતે ગુજરાતની ઉત્પાદન શક્તિઓના નિર્માણ અને તેને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવા માટે કામ કરશે. AI અને ટેકનોલોજી આધારિત ઉકેલોનો ઉપયોગ કરીને, આપણે ઉદ્યોગમાં ઉત્પાદકતા, સ્પર્ધાત્મકતા અને ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં ઉલ્લેખનીય વધારો કરી શકીએ છીએ.
તેમના કાર્યકાળ દરમિયાન, FICCI-ગુજરાત ઉદ્યોગમાં સસ્ટેનિબિલિટી(પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન) પર પણ ભાર મૂકશે અને MSME અને મોટા કોર્પોરેટને પ્રોડક્ટિવિટી વધારતી ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત, ઉદ્યોગોમાં જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા, નવું રોકાણ આકર્ષિત કરવા અને મુખ્ય ઉદ્યોગોમાં વિકાસના અવસર વધારવા માટે કાઉન્સિલ દ્વારા વર્ષભર દરમિયાન, સેકટર-સ્પેસિફિક મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામની વિવિધ સીરીઝનું આયોજન કરવામાં આવશે.
જયકૃષ્ણએ ઉમેર્યું હતું કે, ઇન્ડસ્ટ્રીના હિતમાં ઉપરોક્ત લક્ષ્યોને હાંસલ કરવા માટે કાઉન્સિલ દ્વારા ઉદ્યોગ અને સરકાર વચ્ચે સમર્પિત ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમે રચનાત્મક વાર્તાલાપને સક્ષમ બનાવવા, નીતિગત પડકારોનો સામનો કરવા તેમજ ઉદ્યોગ અને સરકાર વચ્ચે સહયોગને મજબૂત બનાવવા માટે માળખાગત, પરસ્પર સંવાદનું આયોજન કરીશું.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
