<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

અમદાવાદ બાદ હવે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી : મધરાત્રે આવેલા મેઈલથી ન્યાયતંત્રમાં ખળભળાટ : જુઓ વિડીયો

કોર્ટ પરિસરમાં પ્રવેશબંધી અને પોલીસ છાવણીમાં ફેરવાયું : ક્રાઈમ બ્રાન્ચ, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે ખૂણેખૂણા ફેંદી માર્યા : પ્રિન્સિપલ જજના આદેશ બાદ કામકાજ સ્થગિત

 

 

સુરત, તા. 6 જાન્યુઆરી : અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના ગણતરીના કલાકોમાં જ હવે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને નિશાન બનાવવાની ધમકી મળતા સુરતમાં ચકચાર મચી ગઈ છે. ગત મોડી રાત્રે ૨ વાગ્યે કોર્ટના ઓફિશિયલ મેઈલ આઈડી પર અંગ્રેજીમાં ધમકીભર્યો મેઈલ આવ્યો હતો, જેમાં સમગ્ર બિલ્ડિંગને RDX વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે સુરત પોલીસ અને ન્યાયતંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સવારમાં મેઈલ ચેક કરતા સતર્કતા:
આ ધમકીભર્યો સંદેશો મોડી રાત્રે આવ્યો હોવાથી સવારે જ્યારે કોર્ટના કર્મચારીઓએ ફરજ પર આવીને મેઈલ તપાસ્યો ત્યારે આ બાબત પ્રકાશમાં આવી હતી. મેઈલની ગંભીરતાને ધ્યાને રાખી કર્મચારીઓએ તુરંત જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરી હતી. જજ સાહેબે સમયનો બગાડ કર્યા વિના તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા આદેશ આપ્યા હતા. જજના આદેશ બાદ પ્રિન્સિપલ જજની નવી સૂચના ન મળે ત્યાં સુધી કોર્ટનું કામકાજ બંધ રાખવાનો અને પરિસરમાં કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવાયો હતો.
સઘન ચેકિંગ અને પોલીસ કાફલો:
ધમકી મળતા જ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસોજી (SOG) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ ફાસ્ટટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય.
સરકારી વકીલનું નિવેદન:
આ અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, "રાત્રે ૨ વાગ્યે કોર્ટના મેઈલ પર RDX થી બિલ્ડિંગ ઉડાવી દેવાની ધમકી મળી હતી. સ્ટાફે સવારે મેઈલ જોતા જ જજ સાહેબને જાણ કરી હતી અને પોલીસે તાત્કાલિક સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી કામકાજ બંધ રહેશે." જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.
અમદાવાદમાં પણ મળી હતી ધમકી:
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ૫ જાન્યુઆરીના રોજ અમદાવાદની ઇન્કમટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને પણ ઇ-મેલ દ્વારા બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. જેના કારણે નવરંગપુરા પોલીસે બોમ્બ સ્કવોડ સાથે ત્યાં પણ તપાસ કરી હતી અને કામગીરી સ્થગિત રાખવી પડી હતી. રાજ્યની બે મોટી કોર્ટને સતત મળી રહેલી ધમકીઓને પગલે હવે સુરક્ષા એજન્સીઓ આ મેઈલ ક્યાંથી આવ્યા છે તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી ઊંડી તપાસ કરી રહી છે.

(11:25 AM IST)