News of Tuesday, 6th January 2026
નરેન્દ્રભાઇના સોમનાથ પ્રવાસની સમીક્ષા કરતા હર્ષ સંઘવી : પ્રથમ જયોતિર્લીંગના દર્શન કર્યા
નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.૧૧ મીના સોમનાથ પ્રવાસના સૂચિત કાર્યક્રમ અંગે તૈયારીઓ બાબતે સમિક્ષા કરી : મંત્રીશ્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૬ : દ્વાદશ જ્યોર્તિલિંગમાંના પ્રથમ જ્યોર્તિલિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.૧૧મી જાન્યુઆરીના સુચિત સોમનાથ પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ તેમજ અન્ય તૈયારીઓની સમિક્ષા કરી હતી.
બપોર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કર્યાં હતાં.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સાથે જ બિલ્વપત્રોપ્રપુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતાં ભોળાનાથને ગંગાજળ અભિષેક કર્યો હતો.
દર્શન બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ આગામી ૧૦ અને ૧૧ તારીખના અનુસંધાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ પ્રવાસ અંગે સ્થળ સમિક્ષા કરતાં મંદિર પરિસર, બાણસ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમા થી લઈ હમીરજી સર્કલ, ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમિક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પમાં ભારતની પ્રાચીન અડગ અને શાશ્વત સાંસ્કળતિક વિરાસતો-ધરોહરોનું પુનઃ જાગરણ, પ્રવાસન તીર્થ વિકાસ પણ મુખ્યત્વ છે, જેને આગળ ધપાવતા વિવિધ પ્રકલ્પો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સાકાર થઈ રહ્યા છે.
સોમનાથના તા.૧૦-૧૧ જાન્યુઆરીના સૂચિત કાર્યક્રમના રૂટ નિરીક્ષણ વખતે નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે કળષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડ, ભગવાનભાઈ બારડ, જિલ્લા અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, સંજયભાઈ પરમાર, પુનિતભાઈ શર્મા ગૌરાંગભાઈ રૂપારેલીયા સહિતના પદાધિકારીઓ ઉપરાંત અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, અગ્ર સચિવ અશ્વિની કુમાર, રાહુલ ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડો વિક્રાંત પાંડે, આલોક પાંડે, દિલીપ રાણા, આઈજી નિલેશ જાજડિયા, કલેકટર એન.વી.ઉપાધ્યાય, જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ સર્કિટ હાઉસ ખાતે મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી વિવિધ કાર્યક્રમોની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી બે દિવસમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા અને કામગીરી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
