તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 7th January 2026
ઓપરેશન વખતે પેટમાં કોટન રહી જતાં ૧૨ સાયન્સની વિદ્યાર્થિનીનું મોત
વડોદરામાં ડોક્ટરની બેદરકારીના કારણે : ડોક્ટરે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું: ડોક્ટર સામે ગુનો દાખલ કરવા પરિવારની માંગ

વડોદરા,તા.૦૭: ૧૬ વર્ષની કિશોરીને પેટમાં ગાંઠ થતા તેનું ઓપરેશન વાઘોડિયા રોડ ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી હર્ષલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે કિશોરીના પેટમાં કોટન રહી જતા તેની તબિયત ફરીથી બગડી હતી. સારવાર દરમિયાન કિશોરીનું મોત થતા પરિવારે ડોક્ટર સામે ગુનો દાખલ કરવાની માગણી કરી છે.
પરિવારના જણાવ્યા મુજબ, મકરપુરા જી.આઈ.ડી.સી. રોડ મહેશ્વરીનગર સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિહ રાજેન્દ્રસિહ વાઘેલાની ૧૬ વર્ષની દીકરી ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી.
સંજનાને પેટમાં દુખાવો રહેતા દિવાળીના થોડા દિવસ અગાઉ વાઘોડિયા રોડ ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી હર્ષલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. કિશોરીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થતા ડોક્ટર વિજયસિંહ રાજપૂત દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. રજા આપ્યાના થોડા દિવસ પછી કિશોરીને ફરીથી પેટમાં દુખાવો શરૂ થતા નવા વર્ષના દિવસે મકરપુરા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ડોક્ટરે સિટિ સ્કેન રિપોર્ટ કરાવતા કિશોરીના પેટમાં કોટન રહી ગયું હોવાનું જણાઈ આવ્યું હતું. જેના કારણે ફરીથી ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
પરિવારે ડો.વિજયસિંહનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું બહાર ગામ છું. તમે જે હોસ્પિટલમાં છો. ત્યાં ઓપરેશન કરાવી દો. દરમિયાન ગઈકાલે કિશોરીનું મોત થયું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થતા ડોક્ટરની સામે ગુનો દાખલ કરવા માટે પરિવારે પોલીસમાં અરજી આપી છે. જે અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે હર્ષલ હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા થઈ શક્યો નહતો.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
