<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ભારજ નદી ઉપરનો પુલ તૂટી જતા રાહદારીઓ માટે ડાયવર્જન આપવામાં આવ્યું

ડાયવર્જન તકલાદી હોવાનો સ્થાનિકોનો આરોપઃહાલ સુધીમાં સરકારના સાડા છ કરોડ વપરાઇ ગયા છે પરંતુ રાહદારીઓને પડતી મુશ્કેલીનુ કાયમી નિરાકરણ આવ્યું નથી

છોટા ઉદેપુર : છોટા ઉદેપુરના પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો પુલ તૂટી જતા રાહદારીઓને અવરજવર માટે નદીના પટમાં છેલ્લા બે વર્ષથી ડાયવર્જન બનાવવામાં આવે છે પણ બે વર્ષમાં બે વખત ડાયવર્જન તૂટી ગયુ છે અને ત્રીજી વાર જે ડાયવર્જન બનાવવામાં આવી રહ્યું છે તે પણ તકલાદી છે. હાલ સુધીમાં સરકારના સાડા છ કરોડ વપરાઇ ગયા છે પરંતુ રાહદારીઓને પડતી મુશ્કેલીનુ કાયમી નિરાકરણ આવ્યું નથી.

 છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામના નેશનલ હાઈવે ૫૬ નો ભારજ નદી ઉપરનો પુલ આજથી બે વર્ષ પહેલા તૂટી ગયો હતો.નેશનલ હાઈવે નબર ૫૬ જે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે. જિલ્લાના મુખ્ય મથક છોટા ઉદેપુરને પણ આ માર્ગ જોડે છે. આ પુલ તૂટી જતા રાહદારીઓની ચિંતા કરી સરકાર દ્વારા નદીમાંજ ડાયવર્જન બનાવવા માટે મંજૂરી આપી કે જેને લઈ રાહદારીઓને ૪૦ કિલોમીટરના ફેરો ફરવો ના પડે. પરંતુ જે કોન્ટ્રાકટરને કામ આપવામાં આવ્યું તેને જાણે વેઠ ઉતરી હોય તેમ લાગી રહ્યું છે.

બે વર્ષમાં બે વખત ચોમાસાના સમયે ડાયવર્જન ધોવાતા ત્રીજી વાર ડાયવર્જન બનાવવામાં આવી રહ્યું છે.જે બિલકુલ તકલાદી છે તેમ સ્થાનિકો અને રાહદારીઓનું કહેવું છે. અગાઉ બનેલ ડાયવર્જનની જે ડિઝાઇન બનાવવામાં આવી હતી તે પ્રમાણે નહીં પણ કોન્ટ્રાકટરે મનમાની કરી ડિઝાઇનને બદલી નાખી ફક્ત રેતી અને માટી જ નાખી ડાયવર્જન બનાવી દેતા હવે ત્રીજી વાર બનાવવામાં આવેલ ડાયવર્જન ટકશે કે કેમ તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ભારજ નદીમા ચોમાસામાં પાણીનો પ્રવાહ ખૂબ હોય છે. સુખી ડેમનું પાણી પણ આજ નદીમા છોડવામાં આવે છે.જો પુલ અને ડાયવર્જન ધોવાઈ જતા હોઈ તો આ કાચુ બનાવેલ ડાયવર્જન ટકશે ખરું અગાઉ બે વર્ષમાં બે વખત ડાયવર્જન તૂટી જતા રાહદારીઓને ૪૦ કિ.મી.નો ફેરો ફરવો પડતો હતો. હવે ફરી એકવાર આ જ જગ્યાએ ડાયવર્જન બની રહ્યું છે તે તકલાદી બની રહ્યું છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને નેતાઓ ડાયવર્જનની નજીકમાંથીજ પસાર થઇ રહ્યા છે તો શું નવા બની રહેલ ડાયવર્જન પર તેમની નજર નહીં જતી હોય ? કોન્ટ્રાકટરને ટકાઉ ડાયવર્જન બને તે માટે કેમ આદેશ આપવામાં આવતા નહીં હોય ? ગયા વર્ષે બનેલ ડાયવર્જનમાં પાણીના નિકાલ માટે લગભગ ૧૪૦ પાઇપો નાખવામાં આવી હતી હવે ફક્ત ૬ તૂટેલી પાઇપો નાખી કામ પૂર્ણ કરી રહ્યા છે.ચોમાસુ આવતા પહેલા જ આ ડાયવર્જન તૂટી જશે તેવી લોકો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

મધ્યપ્રદેશ છોટા ઉદેપુર અને બોડેલીને જોડતો આ મુખ્ય માર્ગ છે. પરંતુ ભારદારી વાહનો માટે અવર જવર પર રોક છે.જેથી બોડેલીથી છોટા ઉદેપુર જતા વાહનોને લગભગ ૫૦ કિમીથી પણ વધુના ફેરો ફરવો પડે છે. જેથી કેટલાક વેપારીઓને પરવડતું નથી.અને જે વેપારીઓ બજારમાં માલ વેચવા જાય છે તેમને દુકાનદારોને વધુ ભાવ ચુકવવો પડે છે. ખેડૂતોને પણ મંડીમાં માલ વેચવા જવું મુશ્કેલ બન્યું છે.હાલમાં પુલનું કામ ચાલી રહ્યું છે પરંતુ બિલકુલ મંથરગતિએ જેથી રાહદારીઓ જલ્દી થી પુલનું કામ પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન માર્ગ પર આવેલ પુલ બે વર્ષથી વધુ સમયથી તૂટી ગયો છે અને રાહદારીઓને નદીના પટમાંથી ડાયવર્જન પરથી પસાર થવુ પડતું હોય તંત્રએ આ બાબતે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ.સરકારના કરોડો રૃપિયા પાણીમાં વહેવડાવી દેનાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પગલા કેમ નથી લેવાતા તેવા સવાલો લોકો કરી રહ્યા છે.

(9:49 PM IST)