તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીની આવક રૂ.૧૩,૬૯૯ કરોડને પાર
ગુજરાત સરકારની તિજોરી છલકાઈ

અમદાવાદ,તા.૦૮: ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી રહ્યા છે. જેના કારણે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવકમાં ૭ ટકાનો વધારો થયો હતો. એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૫ સમયગાળા દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવક રૂ.૧૩,૬૯૯ કરોડ પર પહોંચી હતી. જે ગત વર્ષના સમાનગાળા દરમિયાન રૂ.૧૨,૮૨૧ કરોડ હતી.
સૂત્રો મુજબ, મિલકત નોંધણીના કારણે થતી આવક નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૧૯,૮૦૦ કરોડના બજેટ લક્ષ્યાંકને વટાવી જવાની અપેક્ષા છે. પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનના ઊંચા મૂલ્યના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સૂત્રો મુજબ, ૨૦૨૩માં સરકાર દ્વારા જંત્રીના દરમાં કરાયેલા ૧૦૦ ટકા વધારાને બજારે સ્વીકારી લીધો છે, જેની સીધી અસર સરકારની વધેલી આવકમાં દેખાઈ રહી છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આ આવક રૂ.૧૪,૭૦૬ કરોડ હતી, જે ૨૦૨૩-૨૪માં રૂ.૧૩,૭૩૧ કરોડ નોંધાઈ હતી. તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાનો અહેવાલ જણાવે છે.
વિવિધ શહેરોમાં જમીનના મોટા સોદા થવાથી આવકમાં મોટો હિસ્સો ઉમેરાયો છે. આ ઉપરાંત RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવતા હોમ લોન સસ્તી થઈ છે, જેના કારણે ખાસ કરીને નવરાત્રી પછી રેડી ટુ મૂવ મકાનોની માંગમાં વધારો થયો છે. તેમજ અમદાવાદમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની જાહેરાતને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૂત્રો મુજબ, એવી શક્યતા છે કે રાજ્ય સરકાર ૨૦૨૬માં સુધારેલી ‘વૈજ્ઞાનિક જંત્રી' અમલમાં લાવશે. આથી, નવા દર લાગુ થાય તે પહેલાં વધુ ને વધુ લોકો નાણાકીય વર્ષના અંત સુધીમાં તેમના પ્રોપર્ટી સોદા પૂર્ણ કરી લેશે, જેનાથી સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં હજુ પણ વધારો થશે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
