<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જિલ્લા પંચાયત પ્રમુખોને કરોડની ગ્રાન્‍ટ : ઉપયોગના નીતિ-નિયમો જાહેર

ગુજરાતની સ્‍થાપના પછી પ્રથમ વખત પ્રમુખોના હાથમાં એક-એક કરોડ મૂકતી સરકાર : વિદાય લેતા પ્રમુખોને બે-અઢી માસમાં ગ્રાન્‍ટ વાપરવાનો લાભ : બાકડા, કચરા પેટી, સી.સી.રોડ, લાયબ્રેરી, પાણીની ટાંકી, કુવા રીચાર્જ, શાળાઓમાં રમતગમતના સાધનો વગેરે માટે વાપરી શકશેઃ ધારાસભ્‍યો માટે છે એ જ માગર્દર્શિકા

રાજકોટ, તા., ૮ : રાજય સરકારે ગુજરાતની સ્‍થાપના પછી પ્રથમ વખત જિલ્લા પંચાયત પ્રમુખોને વિકાસ કામો માટે વાર્ષિક ૧-૧ કરોડની ગ્રાન્‍ટ ફાળવવાનું નક્કી કર્યુ છે. હાલના નાણાકીય વર્ષથી જ તેનો અમલ થઇ જશે. સામાન્‍ય વહીવટ વિભાગે ગ્રાન્‍ટના ઉપયોગ અંગે તા.૧ જાન્‍યુઆરી ર૦ર૬ના રોજ માર્ગદર્શક પરીપત્ર પ્રસિધ્‍ધ કર્યો છે. તે મુજબ ધારાસભ્‍યોને ગ્રાન્‍ટના ઉપયોગના જે નિયમો છે તે જ નિયમો જિલ્લા પંચાયત પ્રમુખોને લાગુ પડશે. આ પરીપત્ર સામાન્‍ય વહીવટના નાયબ સચિવ ગિરિરાજસિંહ સોલંકીની સહીથી પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યો છે. વર્તમાન નાણાકીય વર્ષના ૩ મહિનાથી પણ ઓછો સમય બાકી રહયો છે. સરકાર આટલા સમયગાળા માટે પણ પુરી ૧ કરોડની ગ્રાન્‍ટ ફાળવવા માંગે છે. પંચાયતોની ચુંટણી નજીક છે. વિદાય લેતા પંચાયત પ્રમુખોને કાર્યકાળના અંતિમ બે અઢી મહિનામાં ૧ કરોડની ગ્રાન્‍ટ વાપરવાનો લાભ મળશે. ૧ એપ્રિલથી આખા નાણાકીય વર્ષ માટે પ્રમુખોને ૧-૧ કરોડની ગ્રાન્‍ટ મળશે.

પરીપત્રમાં જણાવ્‍યા મુજબ ધારાસભ્‍યોની ગ્રાન્‍ટ યોજના અંતર્ગત નિયત કરેલ કામોની માર્ગદર્શિકા અને ધારા ધોરણો પ્રમુખોને લાગુ પડશે. આયોજન પ્રભાગ હેઠળના વિકેન્‍દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અન્‍વયે સ્‍થાનિક વિસ્‍તારમાં અગત્‍યતા ધરાવતા સામુહિક વિકાસના કામોના સુચન માટે જિલ્લા પંચાયત પ્રમુખને પણ ગ્રાન્‍ટ ફાળવાશે. પ્રમુખોને ગ્રાન્‍ટમાંથી કરવા પાત્ર આ વર્ષના કામો સત્‍વરે સુચવવા જણાવાયું છે.

જિલ્લા પંચાયત પ્રમુખો ૧ કરોડની ગ્રાન્‍ટનો ઉપયોગ ગામમાં પીવાના પાણીની યોજના તાલુકા પંચાયત અને સુધરાઇને વોટર ટેન્‍કર વસાવી દેવાનું કામ, કુવા રીચાર્જ, સરકારી અને નોંધાયેલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત દવાખાના અને હોસ્‍પીટલો માટે એમ્‍બ્‍યુલન્‍સ વસાવવી, રોગ માટે નિદાન અને સારવાર કેમ્‍પ યોજવા, જાહેર બગીચાઓમાં કચરા પેટીઓ અને બેસવાના બાકડા મુકવા, સરકારી શાળાઓમાં રમત ગમત અને કસરતને લગતા સાધનો વસાવવા, શહેરી વિસ્‍તારમાં ટ્રાફીક સર્કલ મુકવા, ઇન્‍ડોર ગેમના મકાન બનાવવા, મધ્‍યાહન ભોજન યોજના હેઠળ સ્‍ટોર રૂમ અને રસોડાનું કામ કરવું, ગ્રામ પંચાયતના મકાનમાં લાઇબ્રેરીના પુસ્‍તકો અને કબાટ ખરીદવા, પશુઓ માટે હવાડા બનાવવા, બે ગામોને જોડતા રસ્‍તા બનાવવા, જાનહાનીનો ભય હોય તેવા હયાત રસ્‍તાઓની સુધારણા કરાવવી વગેરે  કામો માટે પ્રમુખ ગ્રાન્‍ટ ફાળવી શકશે.

 

(4:56 PM IST)