<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જલ્‍દી કરોઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૯પ૦ જગ્‍યાઓ ઉપર ભરતી

કાલથી ઓનલાઇન અરજી ફોર્મ ભરાશે : - પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (વાયરલેસ તથા મોટર ટ્રાન્‍સપોર્ટ), ટેકિનકલ ઓપરેટર, હેડ કોન્‍સ્‍ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧) ની જગ્‍યાઓ આવી - OJAS ની વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર તા. ૯ જાન્‍યુઆરી, બપોરે ર વાગ્‍યાથી ર૯ જાન્‍યુઆરી સુધી અરજી કરી શકાશે

રાજકોટ તા. ૮ :.. રાજય તથા કેન્‍દ્ર સરકાર  દ્વારા હાલમાં વિવિધ ક્ષેત્રે અને વિવિધ કેડરમાં અસંખ્‍ય ભરતીઓ ચાલી રહી છે. સત્તા સાથે સેવા કરવાનો અને સન્‍માન મેળવવાનો મોકો આપતી સરકારી નોકરી મેળવવા માટે આજનું યુવાધન હંમેશા આતુર હોય છે. ગુજરાત પોલીસમાં ફરજ બજાવવા ઇચ્‍છતા ઉમેદવારો માટે હાલમં સોનેરી તક આવી છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-૩ ની કુલ ૯પ૦ જગ્‍યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ર૯-૧-ર૦ર૬ છે. આવતીકાલ તા. ૯-૧-ર૦ર૬ ના રોજ બપોરે બે વાગ્‍યાથી OJASની વેબસાઇટ  https://ojas.gujarat.gov.in  ઉપર ઓનલાઇન અરજી કરી શકાશે. અરજી ફકત ઓનલાઇન જ કરી શકાશે.

કુલ ૯પ૦ જગ્‍યાઓમાં ૧૭ર જગ્‍યાઓ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (વાયરલેસ) તથા ૬૯૮ જગ્‍યાઓ ટેકિનકલ ઓપરેટરની છે. જે માટે શૈક્ષણિક લાયકાતરૂપે ઉમેદવારો પાસે એન્‍જીનીયરીંગ અથવા ટેકનોલોજીમાં ઇલેકટ્રોનિકસ એન્‍ડ કોમ્‍યુનિકેશન અથવા ઇલેકટ્રોનિક એન્‍ડ ટેલિ-કોમ્‍યુનિકેશન, ઇલેકટ્રોનિકસ એન્‍જીનીયરીંગ, ઇન્‍ફર્મેશન ટેકનોલોજી, ઇન્‍ફર્મેશન એન્‍ડ કોમ્‍યુનિકેશન ટેકનોલોજી, કમ્‍પ્‍યુટર એન્‍જીનીયરીંગ, કમ્‍પ્‍યુટર સાયન્‍સના ચાર વર્ષના કોર્ષ સાથેની માન્‍ય યુનિવર્સિટીની બેચલર ડીગ્રી (ગ્રેજયુએશન) હોવી જરૂરી છે.

આ ઉપરાંત પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (મોટર ટ્રાન્‍સપોર્ટ)ની ૩પ જગ્‍યાઓ છે જે માટે ઉમેદવારોએ ઓટોમોબાઇલ એન્‍જીનીયરીંગ અથવા મિકેનિકલ એન્‍જીનીયરીંગમાં બેચલર ડીગ્રી મેળવેલ હોવી જરૂરી છે. સાથે - સાથે હેડ કોન્‍સ્‍ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧) ની ૪પ જગ્‍યાઓ ભરાશે, જે માટે ઉમેદવારોએ ડીપ્‍લોમાં ઇન ઓટોમોબાઇલ એન્‍જીનીયરીંગ અથવા ડીપ્‍લોમાં ઇન મિકેનિકલ એન્‍જીનીયરીંગ કરેલું હોવું જરૂરી છે. તમામ જગ્‍યાઓ માટેની સંપૂર્ણ વિગતો OJASની વેબસાઇટ ઉપર જોઇ શકાય છે. અરજી ફોર્મ ભરીને ઉમેદવારોએ પોતાની અરજી ફરજીયાત કન્‍ફર્મ કરવાની રહે છે. રૂબરૂ કે ટપાલથી અરજીપત્રક મોકલવાના નથી. જાહેરાત તથા ભરતી પ્રક્રિયા સંબંધીત તમામ અધિકાર ગુજરાત પોલીસ ભરતી બોર્ડને રહેશે તેવું પણ જાહેરાતમાં કહેવાયું છે. ભરતી પ્રક્રિયાને લગતી વખતો વખતની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)ની વેબસાઇટ https://gprb.gujarat.gov.in  ઉપર જોઇ શકાશે તેવું પણ કહેવામાં આવ્‍યું છે.

તો મિત્રો, ગુજરાત પોલીસમાં ટેકિનકલ કેડરમાં ઘણી બધી જગ્‍યાઓ આવી છે ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, હકારાત્‍મક અભિગમ, સ્‍વપ્રયત્‍ન, આત્‍મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા સાથે જલ્‍દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

(3:36 PM IST)