<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

બેંકમાં ગીરવે મુકેલા એક કિલો સોનાના દાગીના ગાયબઃ દંપતી ગુજરાત હાઇકોર્ટના દ્વારે

હાઇકોર્ટે કેન્‍દ્ર સરકાર, આરબીઆઇ અને ઇન્‍ડિયન બેંકને નોટિસ પાઠવી : દંપતીએ રૂ.૧.૧૫ કરોડની કિંમતના સોના સામે લોન લીધી હતીઃ સોનુ ગાયબ થયાની વાત છુપાવીને બેંકે વ્‍યાજની વસૂલાત ચાલુ રાખી હોવાની રજુઆત

અમદાવાદ, તા.૮: રાજકોટના એક દંપતીએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્‍યો છે અને આરોપ લગાવ્‍યો છે કે ઇન્‍ડિયન બેંક પાસે ગીરવે રાખેલું રૂ ૧.૧૫ કરોડની કિંમતના સોનાના દાગીનાં બેંકની કસ્‍ટડીમાંથી ગુમ થઇ ગયા છે. દંપતીનો આક્ષેપ છે કે બેંકને આ બાબતની જાણ હોવા છતાં ઘણા મહિના સુધી તેમને માહિતી આપવામાં આવી નહોતી અને આ દરમિયાન બેંક વ્‍યાજ લેતી રહી હતી.

આ અરજી રાજકોટના સાંગીતા શાહ અને શ્‍યામ શાહે કરી છે. તેમણે વર્ષ ૨૦૨૩માં ઇન્‍ડિયન બેંકની રાજકોટ શાખામાંથી બે MSME જ્‍વેલ લોન લીધી હતી. આ લોન માટે તેમણે ૨૨ કરેટનું કુલ ૧૦૦૪.૧ ગ્રામ સોનું ગીરવે મુકયું હતું. તેમાં સોનાના દાગીના અને રત્‍નો સામેલ હતા અને તેની બજાર કિંમત અંદાજે રૂ ૧.૧૫ કરોડ હતી.

અરજદારોના જણાવ્‍યા પ્રમાણે લોન દર વર્ષે રિન્‍યૂ કરવામાં આવતી હતી અને દરેક વખત બેંક ગીરવે રાખેલા સોનાની કિંમત પણ નક્કી કરતી હતી. ૨૮ ઓક્‍ટોબર ૨૦૨૫ના રોજ તેમણે ફરીથી લોન રિન્‍યૂ કરવાની વિનંતી કરી હતી. પરંતુ બીજા દિવસે બેંકે તેમને જણાવ્‍યું કે ગીરવે રાખેલા સોનાનું પેકેટ ગાયબ છે અને તેથી લોન રિન્‍યૂ કરી શકાય તેમ નથી.

બેંકે દંપતીને રિઇમ્‍બર્સમેન્‍ટ ક્‍લેમ રજૂ કરવા કહ્યું અને ૨૪ કેરેટ સોનાનો રૂ ૧૦૮૧૩ પ્રતિ ગ્રામના દરનો ઉલ્લેખ કર્યો. બાદમાં બેંકે તેમને જાણ કરી કે માર્ચ ૨૦૨૫થી જ દાગીના ગુમ હતા. બેંકે જુલાઇ મહિનામાં પોલીસમાં અરજી કરી હતી પરંતુ હજી સુધી કોઇ એફઆઇઆર  નોંધાઇ નથી.

આ દરમિયાન બેંકે દંપતીને લોન ખાતાને NPA જાહેર કરવાની ધમકી આપી હતી અને પેનલ્‍ટી સાથે ચાર્જીસ પણ લગાવ્‍યા હતા અને તેમના ક્રેડિટ સ્‍કોર પર પણ અસર થવા લાગી હતી. આથી છેવટે દંપતીએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.

દંપતીના વકીલ નિમિત શુક્‍લાએ દલીલ કરી કે બેંકે ઘણા મહિના સુધી આ મહત્‍વની માહિતી છુપાવી રાખી અને વ્‍યાજ વસૂલવાનું ચાલુ રાખ્‍યું. દંપતીએ ૫ નવેમ્‍બર ૨૦૨૫ના રોજ રજૂઆત કરી હતી જેમાં બેંકની બેદરકારી દર્શાવી અને ગુમ થયેલા સોના અને  રત્‍નોની કિંમત તથા અન્‍ય ચાર્જીસની ભરપાઇ કરવા માગણી કરી હતી.

અરજીમાં જણાવાયું છે કે બેંકે ભરપાઇ માટે કોઇ સમયરેખા પણ આપી નથી. સોનાની નુકસાની સ્‍વીકાર્યા છતાં બેંકે જે પગલાં લીધા જે અન્‍યાયપૂર્ણ છે. આ આરબીઆઇની ગાઇડલાઇન્‍સનું પણ ઉલ્લંઘન છે. દંપતીએ હાઇકોર્ટમાં માંગ કરી છે કે કેન્‍દ્ર સરકાર અને આરબીઆઇને ઇન્‍ડિયન બેંક સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે. ઉપરાંત કાયદા મુજબ યોગ્‍ય વળતર ચૂકવવા કે સ્‍વતંત્ર વિજિલન્‍સ કમિટી રચવા પણ માંગ કરવામાં આવી છે. તેઓએ લોન ખાતાની સંપૂર્ણ વિગતો અને આંતરિક તપાસની માહિતી પણ માગી છે અને બેંકને કોઇ દબાણાત્‍મક પગલાં ન લેવા આદેશ આપવા વિનંતી કરી છે.

પ્રાથમિક સુનાવણી બાદ ન્‍યાયમૂર્તિ અનિરુદ્ધ માયીએ કેન્‍દ્ર સરકાર, આરબીઆઇ અને ઇન્‍ડિયન બેંકને નોટિસ પાઠવીને ૨૭ જાન્‍યુઆરી સુધી જવાબ માંગ્‍યો છે

(4:05 PM IST)