<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

રાજપીપળા પાસેના ધર્મેશ્વર મહાદેવ મંદિરના સ્વ. મહંતના રૂમ માંથી શંકાસ્પદ વાઘનું ચામડું અને નખ મળી આવ્યા

ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાને આવ્યું :વન વિભાગની તપાસમાં 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40 થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા

 ( ભરત શાહ દ્વારા ) નર્મદા: એક તરફ ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક રૂમમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ ચામડું વાઘનું છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
      રાજપીપળા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ જીગ્નેશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું.એ દરમિયાન વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા જ એ મંદિરના ટ્રસ્ટીઓએ રાજપીપળા વન વિભાગના આર.એફ.ઓ જા જીગ્નેશ સોનીને જાણ કરી હતી.જે બાદ અમે અમારી ટીમ સાથે ત્યાં પહોચી તપાસ હાથ ધરતા પેટીમાં શંકાસ્પદ વાઘનું ચામડું તથા નખ હોવાનું અમને જાણવા મળ્યું હતું.બાદ સરકારી પંચોની હાજરીમાં તમામ શંકાસ્પદ વાઘના ચામડાને વન વિભાગની કચેરીએ લાવ્યા હતા.ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું અમને જણાઈ આવ્યું હતું.
   આર.એફ.ઓ જીગ્નેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40 થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા છે.આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે.વન્ય પ્રાણીના આ ચામડા અને નખ એમની જ રૂમ માંથી મળી આવ્યા છે.જો એફ.એસ.એલ ની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જોડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.


 


 

(11:29 PM IST)