<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

યુથ પાર્લામેન્ટ યુવાનોને દેશની લોકશાહી વ્યવસ્થાની સમજ આપવા રાજપીપલાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટ યોજાઈ

દેશની લોકશાહીમાં ભૂતકાળમાં થયેલી ગતિવિધિને ધ્યાને લઈ આગામી 50 વર્ષ પછીના વિકસિત ભારતની પરિકલ્પના અંગે યુવાનોએ મંતવ્યો રજૂ કર્યા: ભારત સરકારના યુવા વિકાસ અને રમત ગમત મંત્રાલના માય યુવા ભારત અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત માય યુવા ભારત તથા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

      કાર્યક્રમના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મધુકર પાડવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, લોકશાહીના ચાર આધારસ્તંભોમાં સંસદનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. લોકશાહી ભારતનો અમૂલ્ય ખજાનો છે, વિશ્વના અનેક દેશોએ ભારતની લોકશાહી વ્યવસ્થામાંથી પ્રેરણા લીધી છે. ભૂતકાળની ઘટનાઓમાંથી બોધપાઠ લઈ ભવિષ્યના ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા મહત્વની રહેલી છે. યુથ પાર્લામેન્ટ જેવા મંચ દ્વારા યુવાનોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે જોડવાની દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
   નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણના શિલ્પકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરે સર્વ નાગરિકોને કેન્દ્રમાં રાખીને બંધારણનું નિર્માણ કર્યું હતું. સંસદ આપણા દેશનું સર્વોચ્ચ મંચ છે, જ્યાંથી રાષ્ટ્રહિતના મહત્વના નિર્ણયો લેવાય છે. સ્વદેશી ભાવના, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોએ આગેવાની લેવી પડશે. યુથ પાર્લામેન્ટ થકી યુવાનો રાષ્ટ્ર વિકાસ માટે પોતાના વિચારો વ્યક્ત કરે છે, જેના કારણે તેમનો આત્મવિશ્વાસ વધે છે અને રાષ્ટ્રહિતની ભાવના વિકસે છે.
   યુથ પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓ-યુવાનોએ 50 વર્ષ પૂર્વેના ભારત, તે સમયગાળાની રાજકીય અને લોકશાહી પરિસ્થિતિ, કટોકટીના સમયની અસરો તેમજ આગામી 50 વર્ષમાં ભારતની લોકશાહી અને વિકાસ કેવી રીતે આગળ વધશે તે અંગે ચર્ચા સાથે પોતાના મંતવ્યો પ્રસ્તુત કર્યા હતા.વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોની ભૂમિકા વિષયક વિચારોએ કાર્યક્રમને વિશેષ પ્રેરણાદાયી બનાવ્યો હતો.
   આ યુથ પાર્લામેન્ટ યુવાનોને દેશની લોકશાહી વ્યવસ્થાની સમજ આપવા તથા ભવિષ્યના ભારતના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે નોંધપાત્ર બની રહેશે.
આ કાર્યક્રમમાં જનજાતિ કલ્યાણ આશ્રમના ડૉ. પ્રેમપ્યારી તડવી, નર્મદા જિલ્લા વકીલ મંડળના પ્રમુખ અને સરકારી વકીલ વંદનાબેન ભટ્ટ, એમ.આર.કોલેજ રાજપીપલાના અધ્યાપકશ્રીએ નિર્ણાયક તરીકેની ભૂમિકા અદા કરી હતી.
  કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ લોકશાહીની જાણવણી અંગેના શપથ લીધા હતા. આ વેળાંએ સ્થાનિક અગ્રણી અજીતભાઈ પરીખ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની વિજ્ઞાન પ્રવાહ વિભાગના આચાર્ય, યુનિવર્સિટીની રાષ્ટ્રીય સેવા યોજનાના કો-ઓર્ડિનેટર, વિવિધ કોલેજના આચાર્યો, માય યુવા ભારતના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ચંદ્રકાન્ત બક્ષી અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


 

(11:47 PM IST)