<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

સોમવારથી ઠંડીમાં મળશે આંશિક રાહત: તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધી શકે

ઉત્તરાયણ દરમિયાન પણ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની રહી શકે છે. જેથી પતંગ રસિકો માટે રાહત રહેશે

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધ્રુજાવી દે તેવી ઠંડી વર્તાઇ રહી છે. ઉત્તરથી પૂર્વ તરફ પવન ફૂંકાઇ રહ્યાં હોવાથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જોકે 48 કલાક બાદ રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર બે દિવસ બાદ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આ સાથેજ ઉત્તરાયણ દરમિયાન પણ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની રહી શકે છે. જેથી પતંગ રસિકો માટે રાહતના સમાચાર છે.

હવામાન વિભાગે 9 થી 15 જાન્યુઆરી સુધીના ગુજરાતના હવામાન અંગેની આગાહી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની સંભાવના છે. આગામી 48 કલાક સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનું અનુમાન છે. આજે અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન આશરે 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. વધુમાં, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાંથી 15 થી 20 નોટની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

આજે ગુજરાતમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 29.2, ડિગ્રી, વેરાવળમાં 28.7, વડોદરામાં 28.2, રાજકોટમાં 28, મહુવામાં 28, ગાંધીનગરમાં 27.7, અમદાવાદમાં 27.6, ડીસામાં 27.1, અમરેલીમાં 26.7, પોરબંદરમાં 26.5, વલ્લભ વિદ્યાનગરમાં 26.1, સુરેન્દ્રનગરમાં 26, કંડલા પોર્ટમાં 25.6, ભાવનગરમાં 25.6, કેશોદમાં 25.6, દ્વારકામાં 25.4, ભુજમાં 25, નલિયામાં 24.2, ઓખામાં 23.6 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.

આજે ગુજરાતમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 4.8 ડિગ્રી, અમરેલીમાં 8.6, રાજકોટમાં 9.4, ડીસામાં 10.1, કેશોદમાં 10.6, ગાંધીનગરમાં 10.8, બુજમાં 11.2, સુરેન્દ્રનગરમાં 11.7, અમદાવાદમાં 11.7, કંડલા પોર્ટમાં 11.9, મહુવામાં 12.7, પોરબંદરમાં 12.8, ભાવનગરમાં 13.8, વડોદરામાં 14, વલ્લભ વિદ્યાનગરમાં 14.2, દ્વારકામાં 14.2, સુરતમાં 15, વેરાવળમાં 16.3, ઓખામાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(7:40 PM IST)