<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

આ વખતે ઓછા NRI ગુજરાત આવ્‍યાઃ પાંચ કારણો જવાબદાર

વિદેશમાં વસતા ગુજરાતી NRI માટે ગુજરાત માત્ર વતન નથી પણ લાગણીઓનું કેન્‍દ્ર છે : તહેવારો-લગ્નપ્રસંગો-રજાઓમાં મોટી સંખ્‍યામાં NRI આવતા હોય છે પણ આ વખતે ઓછા આવ્‍યાઃ સાચું કારણ શું?

નવી દિલ્‍હીઃ NRI (એન.આર.આઈ, નોન રેસિડેન્‍ટ ઈન્‍ડિયન) લોકો દર વર્ષે તહેવારો, લગ્નપ્રસંગો, રોકાણ તેમજ પારિવારિક મુલાકાત માટે મોટા પ્રમાણમાં ગુજરાત આવે છે. એક અભ્‍યાસ પ્રમાણે કુલ ગુજરાતી ભાષી લોકોમાં અંદાજે ૧૩ લાખ લોકો વિદેશમાં રહેનારા હોવાની ઓળખ છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, મહેસાણા, વડોદરા અને રાજકોટ, નવસારી, પોરબંદર, કચ્‍છ જેવા શહેરો એન.આર.આઈઓનો ગઢ છે. જે વાર તહેવારે અને બાળકોના વેકેશન ગાળવા માટે તેમના વતન આવતા હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં એન.આર.આઈઓના આવવાના પ્રમાણમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો હોવાની ચર્ચા છે.

એરપોર્ટ ટ્રાફિક, હોટેલ બુકિગ અને લગ્ન સિઝનના આંકડાઓ પણ કદાચ આ ઘટાડાનો સંકેત આપે છે. NRI લોકોનું માનીએ તો આ ઘટાડાનું પ્રથમ અને સૌથી મોટું કારણ વૈશ્વિક આર્થિક અનિヘતિતા છે. અમેરિકા, યુરોપ અને મધ્‍ય પૂર્વ દેશોમાં મોંઘવારીનું દબાણ વધતા નોકરીની સિક્‍યોરિટી અને બિઝનેસ ક્ષેત્રે પડેલા આર્થિક દબાણને કારણે ઘણા NRI એ ફરજિયાત સિવાયની મુસાફરી ટાળવાનો નિર્ણય લીધો છે. પરિવાર સાથે લાંબી રજા લઈને ભારત આવવું હાલ ઘણા NRI માટે શક્‍ય બન્‍યું નથી.

બીજું મહત્‍વનું કારણ એ છે કે અનેક દેશોમાં વિઝા નિયમોમાં ફેરફાર, નોકરી બદલાવની અનિヘતિતા અને કરારની શરતોને કારણે ગુજરાત આવવાની યોજના પાછળ ધકેલાઈ છે. NRI લોકોના મતે જ્‍યાં સુધી નોકરીને સિક્‍યુરિટી યોગ્‍ય ન જણાય ત્‍યાં સુધી લાંબી રજા લેવી જોખમી બની શકે છે. ત્રીજું મહત્‍વનું કારણ આંતરરાષ્ટ્રીય ફલાઇટ ખર્ચમાં નોંધપાત્ર વધારો છે. છેલ્‍લા બે-ત્રણ વર્ષમાં એરફેર સતત મોંઘા થયા છે. ખાસ કરીને તહેવારો અને લગ્ન સિઝનમાં ટિકિટના ભાવ આકાશને આંબી જાય છે. આખા પરિવાર સાથે ભારત આવવાનું ખર્ચાળ સાબિત થતાં ઘણા એન.આર.આઈઓએ હવે બે કે ત્રણ વર્ષમાં એક વખત જ ગુજરાત આવવાનું પસંદ કર્યું છે.

ચોથું કારણ વિઝા અને ઇમિગ્રેશન નિયમોમાં આવેલા ફેરફારો છે. આ અંગે પાર્થ પટેલે જણાવ્‍યું હતું કે, અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશોમાં ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ અથવા પર્મનન્‍ટ રેસિડન્‍સની પ્રક્રિયાને કારણે લોકો લાંબા સમય માટે દેશ બહાર જવાનું જોખમ લેતા નથી. પ્રક્રિયા દરમિયાન દેશમાં હાજર રહેવાની ફરજિયાત શરતો હોવાને કારણે તેઓ ભારત પ્રવાસ ટાળી રહ્યા છે.

પાંચમું કારણ એરફેર, ફલાઇટની ડાયરેક્‍ટ કનેક્‍ટિવિટી અને બાળકોની રજા સાથે જોડાયેલું છે. જે સમયે ત્‍યાં બાળકોને શાળામાં રજા હોય છે એ સમયે ટિકિટના ભાવ ખૂબ જ વધુ હોય છે. આ અંગે સંદીપ પટેલે જણાવ્‍યું હતું કે, તેઓ ૨૫ ડિસેમ્‍બરે સુરત આવ્‍યા ત્‍યારે તેમણે માત્ર ૫૦૦ પાઉન્‍ડ (૬૦,૦૦૦) ની જ ટિકિટ પડી હતી. જ્‍યારે ભાવેશ પટેલે જણાવ્‍યું હતું કે, હું ૪ ડિસેમ્‍બરના રોજ સુરત આવ્‍યો ત્‍યારે પર્સન મારે ૧૨૦૦ પાઉન્‍ડ (અંદાજે ૧,૪૫,૦૦૦)ની ટિકિટ થઈ અને પરત ફર્યા ત્‍યારે ૪૦૦ પાઉન્‍ડ (૪૮,૦૦૦) ની ટિકિટ થઈ હતી. જ્‍યારે ૪ થી ૨૪ ડિસેમ્‍બર સુધી ટિકિટના ભાવ ૧૨૦૦ પાઉન્‍ડની આજુબાજુ રહ્યા હતા અને ત્‍યાર પછી ઘટ્‍યા હતા જેને લઈને અમારે તકલીફ પડી હતી. એટલું જ નહીં બાળકોની શાળામાં જ વધુ રજા પડે તો પેનલ્‍ટી પણ ભરવી પડે છે. જેથી ઓછું આવવાનું પ્રિફર કર્યું છે.

આ તમામ કારણો છતાં એન.આર.આઈઓ માટે ગુજરાત આવવાનું ભાવનાત્‍મક મહત્‍વ ઓછું થયું નથી. પારિવારિક અને સામાજિક પ્રસંગો, લગ્ન, જન્‍મદિવસ, ધાર્મિક વિધિઓ અને તહેવારોમાં હાજરી આપવી એ તેમની લાગણી સાથે જોડાયેલી બાબત છે. તેથી ઘણા લોકો ભૌતિક રીતે આવી ન શકતા હોવા છતાં ઓનલાઇન રીતે જોડાઈ છે.

 

(10:41 AM IST)