News of Saturday, 10th January 2026
નાંદોદ બ્લોકના ટંકારી ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળામાં વાલીઓ માટે જાગૃતિ વર્કશોપનું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નાંદોદ બ્લોકની ટંકારી ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળા, ટંકારી ખાતે વાલીઓમાં જાગૃતિ વધારવાના હેતુસર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનું સંકલન પિરામલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શાળા સ્ટાફ, ગ્રામ પંચાયત તથા સ્વસહાય જૂથોનો સહયોગ પ્રાપ્ત થયો. કાર્યક્રમમાં કુલ ૪૭ વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
વર્કશોપ દરમિયાન પિરામલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિઓ દરમિયાન બાળકની નિયમિત શાળાની હાજરી, મોબાઈલ ફોનનો ઓછો અને યોગ્ય ઉપયોગ, ઘરે બાળકોને ભણાવવામાં વાલીઓની ભૂમિકા તેમજ શાળા અને પરિવાર બંને તરફથી બાળકના અભ્યાસ માટે મળતો સહકાર જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. સાથે જ શાળાના આચાર્ય વર્ષાબેન તડવી તથા તમામ શિક્ષકો દ્વારા બાળકોના ગેરવર્તન, વ્યક્તિગત સ્વચ્છતા, શાળાની પ્રવૃત્તિઓ, આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા શાળાને લગતા જરૂરી દસ્તાવેજો અંગે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ વર્કશોપમાં પંચાયતના ડેપ્યુટી સરપંચ જ્યોતિબેન તડવી અને વોર્ડ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પિરામલ ફાઉન્ડેશન તરફથી પ્રોગ્રામ લીડર ક્રિષ્ના ભાવસાર તેમજ ગાંધી ફેલો અદિતિ સિન્હા, રાની રાજપૂત અને મહક જૈન હાજર રહ્યા. પિરામલ ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવેલો આ પ્રયાસ શાળા, પરિવાર, પંચાયત અને સમુદાય વચ્ચે સંવાદ અને સહકાર મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
