<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

અમદાવાદની ઉત્તરાયણ પૂર્વે ભાડામાં 'આસમાની' ઉછાળો: ફ્લાઈટની ટિકિટમાં ₹30 હજારનો તોતિંગ વધારો, બસ-ટ્રેન પણ 'હાઉસફુલ'

પતંગબાજીના શોખીનોના ખિસ્સામાં પડશે મોટું ગાબડું: પૂણે, દિલ્હી અને દીવથી અમદાવાદ આવવું બન્યું મોંઘુંદાટ, ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ પણ ભાડા બમણા કરી સીઝનનો લાભ ઉઠાવ્યો, NRI અને પરપ્રાંતીય ગુજરાતીઓમાં ભારે રોષ

અમદાવાદ:ગુજરાતીઓનો જીવ ગણાતો ઉત્તરાયણ પર્વ હવે આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદના આકાશમાં પતંગો ઉડે તે પહેલાં જ મુસાફરીના ભાડામાં 'આસમાની' ઉછાળો જોવા મળી રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ અમદાવાદી પતંગોત્સવનો લ્હાવો લેવા માટે દેશ-વિદેશથી ગુજરાતીઓ વતન તરફ દોટ મૂકી રહ્યા છે, પરંતુ આ વખતે અમદાવાદ પહોંચવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. હવાઈ મુસાફરીથી માંડીને ખાનગી લક્ઝરી બસો સુધી તમામ પરિવહન સેવાઓમાં ટિકિટના ભાવ એટલી હદે વધી ગયા છે કે સામાન્ય માણસનું બજેટ 'કપાઈ' ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

એરલાઇન્સ કંપનીઓએ તહેવારની મોસમનો ભરપૂર ફાયદો ઉઠાવતા અમદાવાદ આવતી ફ્લાઈટ્સના ભાડામાં રૂ. 10,000 થી લઈને રૂ. 30,000 સુધીનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. ખાસ કરીને પૂણે, દિલ્હી, બેંગલુરુ અને દીવ જેવા શહેરોથી અમદાવાદ આવતા મુસાફરોને સામાન્ય દિવસો કરતા પાંચથી છ ગણું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. વિદેશથી આવતા NRI મુસાફરો પણ આ ભાવવધારાથી આશ્ચર્યચકિત છે. એરલાઇન્સના ડાયનેમિક પ્રાઈસિંગ મોડેલને કારણે જે લોકોએ છેલ્લી ઘડીએ બુકિંગ કરાવ્યું છે, તેમના માટે તો પતંગબાજી માણવી હવે અત્યંત ખર્ચાળ લક્ઝરી સમાન બની ગઈ છે.

રેલવે અને સડક માર્ગની સ્થિતિ પણ કંઈક આવી જ છે. અમદાવાદ તરફ આવતી તમામ મુખ્ય ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ લિસ્ટ હોવાથી મુસાફરો હવે ખાનગી લક્ઝરી બસો તરફ વળ્યા છે. આ તકનો લાભ લઈને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ પણ લૂંટ ચલાવી છે અને ભાડામાં સીધો બમણો વધારો કરી દીધો છે. સુરત, રાજકોટ અને મુંબઈથી અમદાવાદ આવતી બસો અત્યારથી જ 'હાઉસફુલ' થઈ ગઈ છે. મુસાફરોની ફરિયાદ છે કે તહેવારના સમયે તંત્ર દ્વારા ખાનગી બસોના ભાડા પર કોઈ નિયંત્રણ રાખવામાં આવતું નથી, જેને કારણે મજબૂર મુસાફરોએ ખિસ્સા હળવા કરવા પડી રહ્યા છે.

ભાડા વધારાથી પરેશાન મુસાફરો કટાક્ષમાં કહી રહ્યા છે કે, "આકાશમાં પતંગ ઉડે તે પહેલાં તો એરલાઇન્સ અને બસ સંચાલકોએ અમારા બજેટની પતંગ કાપી નાખી છે." છતાં પણ, અમદાવાદીઓનો ઉત્સાહ ઓછો થયો નથી. મોંઘવારીના આ 'પેચ' વચ્ચે પણ લોકો ગમે તેમ કરીને ઉત્તરાયણના દિવસે ધાબા પર 'કાપ્યો છે' ના નાદ ગજવવા માટે આતુર છે. જેમના મૂળિયાં અમદાવાદમાં છે, તેઓ ગમે તેટલા મોંઘા ભાડા ચૂકવીને પણ પતંગોત્સવના આ રોમાંચમાં સહભાગી થવા માટે મથામણ કરી રહ્યા છે.

(12:52 PM IST)