તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક હથોડો: ફિલ્મ ‘ધુરંધર’ના ડાયલોગ પર બલોચ સમાજનો વિજય, સંજય દત્તના વિવાદાસ્પદ સંવાદો દૂર કરવા આદેશ
ફિલ્મી પડદે સમુદાયના અપમાન સામે ન્યાયતંત્રની લાલ આંખ: ‘મગર પર ભરોસો કરાય પણ બલોચ પર નહીં’ જેવા ડાયલોગ હવે ભૂતકાળ બનશે - હાઇકોર્ટમાં મેકર્સની નમતુ જોખતી ખાતરી બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયની કડક કાર્યવાહી, અભિષેક ધાર અને જિયો સ્ટુડિયોને પછડાટ

અમદાવાદ:બોલિવૂડની તાજેતરમાં રિલીઝ થયેલી મોટા બજેટની ફિલ્મ ‘ધુરંધર’ કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. ફિલ્મમાં બલોચ સમુદાય વિરુદ્ધ અત્યંત અપમાનજનક અને જ્ઞાતિસૂચક ટિપ્પણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી પર ન્યાયતંત્રએ મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ સહિત બે અરજદારોએ ગાંધીનગરથી આ અરજી દાખલ કરી હતી. જેમાં સુપરસ્ટાર સંજય દત્ત દ્વારા ભજવવામાં આવેલા પાત્ર દ્વારા બોલાયેલા ડાયલોગને આખા સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડનારો ગણાવ્યો હતો. હાઇકોર્ટે વાણી સ્વતંત્રતાના નામે કોઈ પણ જ્ઞાતિ કે સમાજને તિરસ્કારપાત્ર રીતે રજૂ કરવાની બાબતને ગંભીર ગણી હતી.
વિવાદનું મુખ્ય કેન્દ્ર સંજય દત્તનું પાત્ર 'એસપી ચૌધરી અસલમ' છે, જે ફિલ્મમાં એમ કહેતા સંભળાય છે કે, “તમે મગર પર ભરોસો રાખી શકો, પરંતુ બલોચ પર નહીં.” આ સંવાદ સામે રાજ્યભરના બલોચ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અરજદારોના વકીલો હિતેન્દ્ર રાજપૂત અને ભાર્ગવ ડાંગરે ધારદાર દલીલો કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આવી ભાષા સામાજિક વૈમનસ્ય પેદા કરી શકે છે અને કોઈ ખાસ સમુદાયને બદનામ કરવાનો મલિન ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બલોચ સમાજની આ માગણી હતી કે માત્ર ફિલ્મમાંથી જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા અને પ્રમોશનલ વીડિયોમાંથી પણ આ કન્ટેન્ટ તત્કાલ દૂર કરવામાં આવે.
૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે હાઇકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે જ હસ્તક્ષેપ કર્યો હતો. મંત્રાલયે ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર આદિત્ય ધાર અને જિયો સ્ટુડિયોને તમામ અપમાનજનક સંદર્ભો કાઢી નાખવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પણ આ મામલે સક્રિય થતા ફિલ્મ મેકર્સને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પ્રોડક્શન હાઉસ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે વિવાદાસ્પદ ડાયલોગ્સને સંપૂર્ણપણે ડિલીટ કરી દેવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને અભિવ્યક્તિની આઝાદી અને સામાજિક મર્યાદા વચ્ચેના સંતુલન તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ચુકાદા બાદ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના બલોચ સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે. વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મનોરંજનના નામે કોઈની લાગણી દુભાવવાનો હક્ક કોઈને નથી. હવે મેકર્સ આ ખાતરી મુજબ ડિજિટલ પ્લેટફોર્મ અને સિનેમા હોલમાંથી તે દ્રશ્યો દૂર કરશે. આ કેસ અન્ય ફિલ્મમેકર્સ માટે પણ એક પાઠ સમાન સાબિત થશે કે ફિલ્મો બનાવતી વખતે ઐતિહાસિક કે સામાજિક સંદર્ભોમાં સતર્કતા રાખવી અનિવાર્ય છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
