News of Monday, 12th January 2026
ફિલ્મ ‘ધુરંધર'ના વિવાદાસ્પદ સંવાદોને હટાવવાનો નિર્ણય હાઇકોર્ટમાં ચાલતી સુનાવણીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશનની સહમતી
બ્લોચ સમાજ વિશે બોલાયેલ અપમાનજનક સંવાદોને ફિલ્મમાંથી દુર કરવામાં આવશે

રાજકોટઃ તા.૧૨, ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર'માં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક તથા અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને સમુદાયને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ફિલ્મમેકર શ્રી આદિત્ય ધાર, પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC), તેમજ બોલિવૂડ અભિનેતા શ્રી સંજય દત્ત સહિતને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજદાર પૈકી એક ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપ-મુખ છે.
અરજદારોએ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા ભજવવામાં આવેલ પાત્ર SP ચૌધરી અસલમ દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર ખાસ વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવે છે કે, ‘તમે મગર પર ભરોસો રાખી શકો, પરંતુ બલોચ પર નહીં.' આ સિવાય પણ ફિલ્મના અન્ય કેટલાક સંવાદો બલોચ સમુદાયને તિરસ્કારભર્યા અને અપમાનજનક રૂપમાં રજૂ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અરજદારો દ્વારા માગ કરવામાં આવી હતી કે ફિલ્મ ‘ધુરંધર'માંથી તેમજ તેના પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન કન્ટેન્ટ સહિત બલોચ સમુદાય વિરુદ્ધના તમામ બદનામક અને અપમાનજનક સંદર્ભો દૂર કરવામાં આવે, ડિલીટ કરવામાં આવે અથવા સેન્સર કરવામાં આવે. અરજદારોનું કહેવું છે કે વાણી સ્વતંત્રતાનો આડેધડ દુરુપયોગ કરી કોઈપણ સમુદાયની લાગણીઓ આઘાત પામે તે સ્વીકાર્ય નથી.
આ અરજી અંગે ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, જ્યારે અરજી કોર્ટ સમક્ષ પેન્ડિંગ હતી, તે દરમિયાન મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર શ્રી આદિત્ય ધાર તથા પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો ને અપમાનજનક સંવાદો દૂર કરવા અંગે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇ કોર્ટમાં ફિલ્મના ડિરેક્ટર શ્રી આદિત્ય ધાર તથા પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો તરફથી હાજર રહેલા વકીલે વિવાદાસ્પદ અને અપમાનજનક સંવાદો સંપૂર્ણપણે દૂર કરવાની ખાતરી કોર્ટને આપી હતી. બલોચ સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને માંગને માનનીય ગુજરાત હાઇ કોર્ટ તથા CBFC દ્વારા ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી હતી.
આ સમગ્ર મામલે અરજદાર તરફેથી એડવોકેટ શ્રી હિતેન્દ્ર રાજપૂત તથા એડવોકેટ શ્રી ભાર્ગવ ડાંગર એ વિગતવાર દલીલો કરી હતી જે માનનીય ગુજરાત હાઇ કોર્ટ તથા સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા માન્ય રાખવામાં આવી હતી.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
