તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
વિરમગામમાં ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની સંગઠનાત્મક બેઠક યોજાઈ
સભ્યોનો પરિચય, નવા નિયુક્ત ભૂદેવોનું સન્માન, નવા આજિવન સભ્યો જોડવા અંગે ચર્ચા, આગામી કાર્યક્રમોની રૂપરેખા તેમજ સમાજની શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક પ્રગતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજને વધુ સશક્ત, સંઘટિત અને સુવ્યવસ્થિત બનાવવા હેતુસર તા. 11/01/2026, રવિવારના રોજ શ્રી સતી માતા મંદિર, ભોજવા (ડુમાણા રોડ), વિરમગામ ખાતે મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક અને સમાજમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠક ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મનુભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બ્રહ્મ અગ્રણી કિર્તીભાઈ જાની દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સંગઠન મજબૂત કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રદેશ મહામંત્રી દિનેશભાઈ રાવલ, અમદાવાદ જિલ્લા પ્રમુખ યજ્ઞેશભાઈ મહેતા, જિલ્લા પ્રભારી અજયભાઈ દવે, બ્રહ્મ અગ્રણી સતિષભાઈ વ્યાસ, મહામંત્રી કમલભાઈ રાવલ, વિરલભાઈ દવે, જિલ્લા ઉપપ્રમુખ જયદીપભાઈ પાઠક તથા જિલ્લા ઉપપ્રમુખ રીનાબેન ત્રિવેદી સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સમાજના સભ્યોનો પરિચય, નવા નિયુક્ત ભૂદેવોનું સન્માન, નવા આજિવન સભ્યો જોડવા અંગે ચર્ચા, આગામી કાર્યક્રમોની રૂપરેખા તેમજ સમાજની શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક પ્રગતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા.
સમગ્ર બેઠકનું બ્રહ્મ ભોજન સાથે આયોજન પુલકીતભાઈ વ્યાસ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમ માટે સ્થળની વ્યવસ્થા નિરંજનભાઈ વ્યાસ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. સમાજ દ્વારા બંનેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સમાજના સર્વાંગી વિકાસ માટે એકતાબદ્ધ રહી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આગામી મીટીંગ માંડલ તાલુકાના ઝાંઝરવા ગામના બ્રહ્મ આગેવાનો દ્વારા યોજવામાં આવશે.
ત્રણ તાલુકા બ્રહ્મ સમાજ વિરમગામ શહેર પ્રમુખ જયદીપભાઇ પાઠક ,દિલીપભાઈ ઉપાધ્યાય,વિરલભાઇ દવે સહિત બ્રહ્મ સમાજ ની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
