સુરતના હથોડા ગામે પેપરના સમાન ભરેલા ગોડાઉનમાં આગ લાગી : રમી રહેલા ત્રણ વર્ષના બાળકનું કરૂણમોત
ફાયર વિભાગની ટીમે કુલિંગ પ્રક્રિયા હાથ ધરી ત્યારે બાળકનો મૃતદેહ મળી આવ્યો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે પેપરના સામાનથી ભરેલા ગોડાઉનમાં આગ લાગી હતી આ આગમાં ત્યાં રમી રહેલો ૩ વર્ષનું બાળક મોત નીપજ્યું છે. ફાયર વિભાગની ટીમે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ કોસંબા પાસે આવેલા હથોડા ગામે પતરાના શેડમાં બનાવેલા પેપરના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગી હતી આ દરમ્યાન ત્યાં શ્રમજીવી પરિવારના બે બાળકો ત્યાં રમી રહ્યા હતા અને આગની ઘટનાને પગલે એક બાળક સુરક્ષિત બહાર નીકળી ગયું હતું, પરંતુ કમનસીબે 3 વર્ષનું માસૂમ બાળક આગની લપેટમાં આવી ગયું હતું અને તેનું મોત નીપજ્યું હતું
આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વિભાગે જયારે આગ પર કાબુ મેળવીને કુલીંગની પ્રક્રિયા હાથ ધરી ત્યારે બાળકનો મૃતદેહ મળી આવતા હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
કામરેજ ફાયર ઓફિસર બિપીન ખલાસીએ જણાવ્યું હતું કે સુરત ફાયર કંટ્રોલથી ફાયર અંગે કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અહીં આવીને જોયું તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું, અહીંયા પીપીએલ, પાનોલી અને કિમની ગાડીઓ હાજર હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ હતો.
લગભગ અડધો કલાક બાદ માહિતી મળી હતી કે બે છોકરા અંદર ફસાઈ ગયા છે અને એક છોકરો હાથમાં દાઝી ગયો હતો જેને હોસ્પિટલ લઈ જવાયો છે અને બીજો બે થી અઢી વર્ષનો છોકરો અંદર ફસાઈ ગયો હતો જેની લાશ મળી આવી હતી.
પોતાના વતનથી દૂર પરસેવો પાડીને ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવાર પર આ ઘટનાને કારણે આભ ફાટ્યું છે. વ્હાલસોયા પુત્રના મોતથી માતા-પિતાએ હૈયાફાટ રુદન કર્યું હતું, ઘટનાની ગંભીરતાને જોતા કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ભીષણ આગમાં ગોડાઉનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
