<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

મકરસંક્રાંતિમાં મોંઘવારીનો મારઃ પતંગ-દોરી સાથે ઊંધિયા-જલેબીના ભાવમાં ૨૦ ટકાનો વધારો

આ વર્ષે મકરસંક્રાંતિમાં મોંઘવારી બજેટ બગાડશેઃ પતંગ-દોરી સાથે ઊંધિયું-જલેબીના ભાવમાં વધારોઃ શાકભાજી, તેલ, બેસનના ભાવમાં નોંધપાત્ર વધારો : લાખો ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે વેપારીઓએ બે દિવસ અગાઉથી જ ઊંધિયું-જલેબી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે

અમદાવાદઃ મકરસંક્રાંતિ પર્વમાં ઊંધિયું અને જલેબીનું વિશેષ મહત્‍વ હોય છે. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ પરિવાર અને મિત્રોની સાથે ઊંધિયું-જલેબીની જયાફત માણતા હોય છે. જોકે આ વર્ષે મોંઘવારીનો માર ઊંધિયા અને જલેબી પર પણ પડ્‍યો છે.

ઊંધિયું-જલેબી ૨૦ ટકા મોંઘુ થશેઃ કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન અને શાકભાજી, તેલ, બેસન તેમજ મજૂરીના ભાવમાં થયેલા વધારાના કારણે ગત વર્ષની સરખામણીએ ઊંધિયું અને જલેબી લગભગ ૨૦ ટકા સુધી મોંઘા થયા છે. પરિણામે, વડોદરામાં ઊંધિયાનો ભાવ પ્રતિ કિલો રૂ. ૫૫૦ સુધી પહોંચ્‍યો છે.

ઊંધિયામાં વપરાતી વિવિધ શાકભાજીઃ વડોદરા શહેરનું શાકભાજી બજાર હાલ ઊંધિયામાં વપરાતી વિવિધ શાકભાજીથી ઉભરાઈ રહ્યું છે. ઊંધિયામાં મુખ્‍યત્‍વે સુરણ, બીટ, રતાળુ, રવૈયા, ટીંડોળા, બટાકા, ગાજર, ટામેટા, વટાણા, તુવેર, સુરતી ફળી, ફણસી, પાપડી, વાલોળ, શક્કરીયા તેમજ મેથીના ગટ્ટાનો ઉપયોગ થાય છે. આ તમામ સામગ્રીના ભાવમાં વધારો થતા ઊંધિયું બનાવવાની કિંમત વધેલી છે.

મજૂરી પણ વધશેઃ આ અંગે ગળહિણી નયનાબેન મહાવરે જણાવ્‍યું હતું કે, ઊંધિયું તૈયાર કરવા માટે જરૂરી શાકભાજી, તેલ, બેસન અને મસાલાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે મજૂરી પણ મોંઘી થઈ છે, જેના કારણે આ વર્ષે ઊંધિયું-જલેબી ગત વર્ષ કરતાં ૨૦ ટકા મોંઘુ મળી રહ્યું છે.

રૂ. ૪ કરોડ પાર થશે વેચાણઃ શહેરના નિઝામપુરાના ફરસાણના વેપારી કૈલાસ અગ્રવાલે જણાવ્‍યું હતું કે, વડોદરામાં આ વર્ષે ઊંધિયું, જલેબી અને ફાફડાનું કુલ વેચાણ અંદાજે રૂ. ૪ કરોડ સુધી પહોંચે તેવી શકયતા છે. ઉત્તરાયણ પર્વે ઊંધિયું-જલેબી ઉપરાંત તલ સાંકડી, સિંગની ચીકી, ફાફડા, ગાંઠિયા, સમોસા, ચોળાફળી જેવા ફરસાણની પણ ભારે માંગ રહે છે.

  ઊંધિયું, જલેબી-ફાફડાના સ્‍ટોલ લાગ્‍યાઃ શહેરમાં વિવિધ વિસ્‍તારોમાં વેપારીઓ દ્વારા મંડપ બાંધી ઊંધિયું, જલેબી અને ફાફડાના સ્‍ટોલ ઉભા કરવામાં આવ્‍યા છે. લાખો ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે વેપારીઓએ બે દિવસ અગાઉથી જ ઊંધિયું-જલેબી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઉતરાયણની વહેલી સવારથી જ દુકાનો પર ઊંધિયું-જલેબી ખરીદવા માટે શહેરીજનોની લાંબી કતારો જોવા મળશે. જોકે, આ વર્ષે સ્‍વાદ સાથે થોડી મોંઘવારી પણ ગ્રાહકોને સહન કરવી પડશે.(૨૩.૯)

(10:54 AM IST)