<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

રાજ્યમાં ઉત્તરાયણે પતંગની દોરીથી પાંચ લોકોએ જીવ ગુમાવ્યા : તહેવારનો ઉમંગ શોકમાં ફેરવાયો

રાજ્યમાં ત્રણ જગ્યાએ વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત 3ના ગળા કપાતા કમકમાટીભર્યા મોત: દોરી-પતંગ પકડવા જતા એકનું અકસ્માતમાં તો બીજાનું કરંટથી મોત

અમદાવાદ :રાજ્યમાં ઉત્તરાયણે પતંગની દોરીથી 5 લોકોએ જીવ ગુમાવ્યો છે,ઉત્તરાયણની આ મજા કેટલાક માટે મોતની સજા બની ગઇ છે. રાજ્યમાં ત્રણ જગ્યાએ વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત 3ના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ જિંદગી ગુમાવી છે. તેમજ ઈમરજન્સી મેડીકલ સર્વિસ 108ને, આજે 14 જાન્યુઆરી 2026ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમા 3810 કોલ મળ્યાં છે. આ ઈમરજન્સી કોલની સંખ્યા, ગયા વર્ષની સરખામણીએ 491 વધુ છે. ગયા વર્ષ 2025ની 14મી જાન્યુઆરીના રોજ 3318 ઈમરજન્સી કોલ 108ને મળ્યા હતા.

 

અરવલ્લીમાં ઉત્તરાયણના ઉમંગ વચ્ચે કરૂણ ઘટના બની છે. પતંગની દોરીથી ગળુ કપાઈ જતા કિશોરનું મોત થયુ છે. મોપેડ પર જતા સમયે 17 વર્ષીય કિશોરને દોરી વાગી હતી. બાયડ તાલુકાના ચોઈલા ગામમાં કરૂણ બનાવ બન્યો છે. ગંભીર હાલતમાં કિશોરને હોસ્પિટલ ખસેડ્યો હતો. ફરજ પરના તબીબોએ કિશોરને મૃત જાહેર કર્યો છે. જેમાં કિશોરના મોતથી તહેવારનો ઉમંગ શોકમાં ફેરવાયો છે.

 

ભરૂચમાં જંબુસરના પીલુદરા ગામે પતંગની દોરીથી ગળું કપાઈ જતા એક વ્યક્તિનું મોત થયુ છે. જેમાં રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના વ્યક્તિનુ મોત થયુ છે. બાઈક લઈને પોતાના ખેતરથી ઘરે જતા સમયે વ્યક્તિનુ ગળું કપાઈ જતા મોત થયુ છે. પિલુદ્રા ગામમા આવેલ તીથોરા ખડકીના યુવાનનું મોત થયુ છે. ઈજાગ્રસ્તને 108 મારફતે જંબુસર સબ ડ્રિસ્ટિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા છે. ઘટનાની જાણ થતાની સાથે જ વેડસ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તથા
સમગ્ર ઘટનાની જાણ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીને થતા તેઓ હોસ્પિટલ આવી મૃતકના પરિવારોને સાંત્વના આપી હતી.

 

વડોદરામાં પતંગ પકડવા જતા એક 10 વર્ષના બાળક અને એક યુવકનું મોત થયુ છે. તથા ખંભાતના બદલપુર સેવરાપુરાના 8 વર્ષીય ધવલ કિશનભાઈ પરમાર પોતાના પિતા સાથે બાઈક પર બદલપુરથી રાલેજ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં આવી જતાં તેમની મુખ્ય નસ કપાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ ધવલને તાત્કાલિક ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. ચોઈલા ગામનો તીર્થ પટેલ પોતાના મોપેડ પર જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની જીવલેણ ચાઈનીઝ દોરી તેના ગળામાં આવી ગઈ હતી.

 

વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં ગંભીર બનાવ બન્યો હતો. જેમાં 10 વર્ષીય હિમાંશુ કશ્યપ પતંગ પકડવા રસ્તા પર દોડ્યો હતો. આ દરમિયાન તે એક ઝડપથી આવતી કાર સાથે અથડાયો. બાળકને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.

 

(10:53 PM IST)