<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી ઝડપાઇ :બિલ્ડરના પુત્રના ફ્લેટમાં દરોડા

શ્રી સોસાયટી પાસે આવેલી સેન્ટેરિયલ વિસ્ટા નામની આલીશાન બિલ્ડિંગમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમી મળતા પોલીસે રાત્રિના સમયે ઓપરેશન હાથ ધર્યું

અમદાવાદના યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં આવતા ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા છે. શ્રી સોસાયટી પાસે આવેલી સેન્ટેરિયલ વિસ્ટા નામની આલીશાન બિલ્ડિંગમાં દારૂની મહેફિલ જામી હોવાની સચોટ બાતમી મળતા પોલીસે રાત્રિના સમયે ઓપરેશન હાથ ધર્યું હતું. 

આ દારૂની પાર્ટીનું આયોજન એક જાણીતા બિલ્ડરના પુત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉતરાયણના તહેવારના બહાને મિત્રોને એકઠા કરી ફ્લેટમાં વિદેશી દારૂની મહેફિલ ગોઠવવામાં આવી હતી. પોલીસ જ્યારે ફ્લેટમાં પ્રવેશી ત્યારે નબીરાઓ દારૂના નશામાં ચૂર જોવા મળ્યા હતા.

પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ 30 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી હાલમાં 18 લોકોની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આ તમામના બ્લડ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

(12:27 AM IST)