News of Friday, 16th January 2026
વાજતે-ગાજતે ૧૧૪ વર્ષના ગંગાબાને અંતિમ વિદાયઃ સુરતના ડુંગરા ગામે નીકળી અનોખી સ્મશાન યાત્રા
પરિવારજનોના જણાવ્યા અનુસાર વૃદ્ધાની ઉંમર ૧૧૪ વર્ષ હતી, અને તેમણે પાંચ પેઢી નજર સમક્ષ ઉછરતા જોઈ છે : સુરતમાં વૃદ્ધાનું ૧૧૪ વર્ષની જૈફ વયે અવસાન થયું પરિવારે વાજતે ગાજતે વૃદ્ધાની અંતિમયાત્રા કાઢી વૃદ્ધાના સ્વ. પુત્રની ઈચ્છા હતી, પૌત્રોએ પૂર્ણ કરી

સુરત તા.૧૬: સામાન્ય રીતે જ્યારે કોઈનું અવસાન થાય ત્યારે ગમગીન વાતાવરણમાં મૌન વચ્ચે મૃતકની અંતિમયાત્રા નીકળે છે. જોકે, સુરત જિલ્લાના એક વૃદ્ધાની અંતિમયાત્રા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. કામરેજના ડુંગરા ગામના ગંગાબેન પટેલના અવસાન બાદ તેમના પરિવારે અંતિમયાત્રાને એક પ્રસંગ જેમ ઉજવવાનું નક્કી કર્યું હતું.
કામરેજના ડુંગરા ગામના ગંગાબેન ભીખાભાઈ પટેલનું ૧૧૪ વર્ષની વયે અવસાન થયું હતું. ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણની સાંજે ગંગાબાને છેલ્લા શ્વાસ લીધા. એકાદશીના પાવન દિવસે અવસાન પામેલા બાએ ૧૧૪ વર્ષનું આયુષ્ય જીવ્યા હતા. પાંચ પેઢીને નજર સમક્ષ જોયેલા ગંગાબાના પરિજનોએ આ ક્ષણને યાદગાર બનાવવાનો નિર્ણય લીધો. આથી ગંગાબાની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.
ગંગાબેનના પુત્ર ૬ વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. તેમની ઈચ્છા હતી કે માતાની સ્મશાનયાત્રા વાજતે ગાજતે નીકળે. આ ઈચ્છાને માન આપી ગંગાબાના પૌત્રો અને પરિવારજનોએ આ લાગણીસભર નિર્ણય લીધો. ગંગાબેનના અવસાન બાદ DJ અને ઢોલ સાથે ડુંગરાથી ખોલવડના કૈલાશધામ સુધી વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
