<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ભુપેન્‍દ્રભાઈ પટેલ ભાવનગરમાં: દિવ્‍યાંગોને સાધન સહાયનું વિતરણ

ડો.મનસુખભાઈ માંડવીયા, નીમુબેન બાંભણીયા, જીતુભાઈ વાઘાણી સહિતના ઉપસ્‍થિત રહેશે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૬: મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે આજે બપોર બાદ રૂ.૧,૧૧,૬૨,૪૯૩/- કિંમતના  ૧,૦૧૭ દિવ્‍યાંગ લાભાર્થીઓને અંદાજે ૧,૬૩૭ જેટલાં વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.

મુખ્‍યમંત્રીશ્રીના કાર્યક્રમને અનુલક્ષી ભાવનગર ખાતે કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી નિમુબેન બાંભણીયાની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે જણાવ્‍યું હતું કે, ભારત સરકારના ખ્‍ઝત્‍ભ્‍ યોજના અંતર્ગત એલ્‍મિકો દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લામાં એસેસમેન્‍ટ કેમ્‍પોનું આયોજન કરી ૨૭૦૦ જેટલાં દિવ્‍યાંગજનોને ૧૯  જેટલાં સાધન સહાય આપવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.આ તમામ લાભાર્થીઓ આવી યોજનાનો પૂરતો લાભ લઈ શકે તે માટે જરૂરી તમામ વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે સરકાર દિવ્‍યાંગજનો માટે સંવેદનશીલતાથી અને પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરી રહી છે. તેમણે એક હૃદયસ્‍પર્શી ઙ્કસંગનો ઉલ્લેખ કરતાં કહ્યું કે છેલ્લા ૫૦ વર્ષથી ઢસડાતા જીવન જીવતા એક દિવ્‍યાંગ ભાઈને સિહોર ખાતે યોજાયેલા કેમ્‍પમાં ટ્રાઈસિકલ મળતાં તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, જે આવી યોજનાઓની અસરકારકતા દર્શાવે છે.

ભાવનગર જિલ્લામાં શિહોર અને  પાલીતાણા તેમજ બોટાદ જિલ્લામાં ત્રણ કેમ્‍પોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતુ જેમાં ૮૨૫ દિવ્‍યાંગજનોને કુલ રૂ.૧૨૧.૨૦ લાખની કિંમતના ૧૫૭૭ સાધનો આપવામાં આવ્‍યા હોવાની જાણકારી આપી હતી.

આ બેઠક બાદ કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રીશ્રીએ ભાવનગર કલેકટર  ડો. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી  હનુલ ચૌધરી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સહિતના અધિકારીઓ સાથે કાર્યક્રમના સ્‍થળની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં અગ્રણી  અભયસિંહ ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જયશ્રીબેન જરૂ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:00 AM IST)