<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ખૂની દોરીનો કહેર: સુરતથી ઈન્દોર સુધી ચાઈનીઝ માંઝાએ લીધો નિર્દોષોનો ભોગ, ક્યાંક આખો પરિવાર વેરવિખેર થયો તો ક્યાંક માસૂમોના ગળા કપાયા

પ્રતિબંધ છતાં બજારમાં મળતા જીવલેણ માંઝાએ તહેવારની ખુશીઓને શોકમાં ફેરવી, ફ્લાયઓવર પરથી પટકાતા દંપતી અને પુત્રીનું કરૂણ મોત, ડોક્ટર અને વેપારીએ પણ જીવ ગુમાવ્યા

સુરત, તા. ૧૬ : મકરસંક્રાંતિનો આનંદ આ વર્ષે અનેક પરિવારો માટે કાળ બનીને ત્રાટક્યો છે. સરકાર અને વહીવટી તંત્રના કડક પ્રતિબંધો અને ચેતવણીઓ છતાં, 'ચાઈનીઝ માંઝા' એટલે કે નાયલોનની કાચ પાયેલી દોરીનો ગેરકાયદેસર ઉપયોગ ચાલુ રહ્યો, જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં દેશભરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
સુરતમાં હૃદયદ્રાવક અકસ્માત: એક જ પરિવારના ત્રણ મોત
સુરતના જિલાની ફ્લાયઓવર પર ૧૪ જાન્યુઆરીના રોજ એક કમકમાટીભરી ઘટના બની હતી. એક દંપતી પોતાની ૧૦ વર્ષની માસૂમ પુત્રી સાથે બાઇક પર જઈ રહ્યું હતું ત્યારે અચાનક ગળામાં પતંગની દોરી આવી ગઈ હતી. દોરીથી બચવાના પ્રયાસમાં ચાલકે કાબૂ ગુમાવ્યો અને આખું બાઇક બ્રિજ પરથી નીચે પટકાયું હતું. આ અકસ્માતમાં પિતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે માતાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. સુરતના જ જહાંગીરપુરામાં પણ એક ૮ વર્ષના બાળકનું ગળું કપાતા મોત થયું છે.
ડોક્ટર અને વેપારી પણ બન્યા શિકાર
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક ડોક્ટરનું ગળું માંઝાથી એટલી હદે કપાઈ ગયું કે ગળાનું હાડકું પણ અલગ થઈ ગયું અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું નિધન થયું. આ જ રીતે મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ એક વેપારીનું ગળું કપાતા મોત નીપજ્યું છે, જ્યારે એક યુવકની હાલત ગંભીર છે. રાજસ્થાનના અજમેર અને કોટામાં પણ ૨૫ વર્ષની યુવતી અને ૭૦ વર્ષના વૃદ્ધના ગળા માંઝાથી ચીરાઈ ગયા હોવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે.
તંત્રની નિષ્ફળતા અને લોકોની બેદરકારી
જામનગરમાં પણ એક ૪૨ વર્ષીય બાઈક ચાલક બ્રિજ પર દોરીનો શિકાર બનતા તેને ગળામાં ઊંડા ઘા વાગ્યા છે. છિંદવાડામાં એક યુવાન માંઝાને કારણે બાઈક પરથી પટકાતા ફ્રેક્ચરનો ભોગ બન્યો છે. પોલીસ વારંવાર અપીલ કરી રહી છે કે નાયલોન દોરીનો ઉપયોગ ન કરો, છતાં લોહીની તરસ્યા આ માંઝાનું વેચાણ છૂપી રીતે ચાલુ રહેતા દર વર્ષે નિર્દોષ લોકો બલિ ચડી રહ્યા છે. આ ઘટનાઓએ ફરી એકવાર અમલીકરણ એજન્સીઓની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

(4:34 PM IST)