News of Friday, 16th January 2026
સ્પીપા, અમદાવાદ ખાતે સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ - ૨૦૨૫ ના સમાપન સમારોહનું આયોજન : તાલીમના ઉદ્દેશો, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બિનશૈક્ષણિક પ્રવૃતિઓ તથા તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો
અધિકારી-તાલીમાર્થીઓને વિવિધ સાંસ્કૃતિક/શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રમાણપત્રો / પુરસ્કારો અર્પણ : રમતગમત, ફોટોગ્રાફી, ઈન્ડિયા ડે, વિલેજ વીઝીટ, 'Esprit de Corps', ડાયરેક્ટર જનરલ્સ એસેસમેન્ટ હેઠળ શ્રેષ્ઠ અધિકારી તાલીમાર્થી તથા ઓર્ડર ઓફ મેરીટ જેવા વિવિધ સન્માન

અમદાવાદ તા.૧૬ : સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) એ ગુજરાત સરકારની સર્વોચ્ય તાલીમી સંસ્થા છે. ગુજરાત સરકાર દ્વારા તા.૧૦/૧૧/૨૦૨૫ થી તા.૧૬/૦૧/૨૦૨૬ દરમિયાન સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સનું આયોજન કરવામાં આવેલ. આ સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ-૨૦૨૫ના સમાપન સમારોહ તા. ૧૬-૦૧-૨૦૨૬ ના રોજ ગૌરવપૂર્ણ વાતાવરણમાં આયોજિત કરવામાં આવેલ. આ સમારોહમાં લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકાદમી, મસૂરી ના Deputy Director (Sr.) સુશ્રી દીપ કોન્ટ્રાક્ટર, IFS ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક, IAS સંયુક્ત નિયામક એ.એ.ડોડિયા, નાયબ નિયામક (એકાઉન્ટ) હાર્દિક પ્રજાપતિ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ સુશ્રી ધરતી શાહ તેમજ સ્પીપાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન દ્વારા કરવામાં આવી. સમારોહ દરમિયાન આસીસ્ટન્ટ કોર્સ કો-ઓર્ડિનેટર દ્વારા તાલીમ કાર્યક્રમનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જેમાં તાલીમના ઉદ્દેશો, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બિનશૈક્ષણિક પ્રવૃતિઓ તથા તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. સમારોહ દરમિયાન ૮૧ અધિકારી-તાલીમાર્થીઓની ૧૦ સપ્તાહની યાત્રા દર્શાવતી ભાવવાહી ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી તથા ૧૦ અઠવાડિયાના સ્પેશીયલ ફાઉન્ડેશન કોર્સની ઝલક દર્શાવતી નાની બુકલેટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ અવસરે અધિકારી-તાલીમાર્થીઓને વિવિધ સાંસ્કૃતિક/શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રમાણપત્રો / પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા. જેમાં રમતગમત, ફોટોગ્રાફી, ઈન્ડિયા ડે, વિલેજ વીઝીટ, 'Esprit de Corps', ડાયરેક્ટર જનરલ્સ એસેસમેન્ટ હેઠળ શ્રેષ્ઠ અધિકારી તાલીમાર્થી તથા ઓર્ડર ઓફ મેરીટ જેવા વિવિધ સન્માનથી તેઓને બિરદાવવામાં આવ્યા હતા. સમારોહને સંબોધતા મુખ્ય અતિથિએ સ્પીપા, અમદાવાદને આ સ્પેશીયલ ફાઉન્ડેશન કોર્સનું સુચારુ આયોજન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે SPIPA ખાતે આપવામાં આવતી તાલીમ ભાવિ પ્રશાસકોને જવાબદાર, સંવેદનશીલ અને નૈતિક જાહેર સેવક તરીકે ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ અવસરે તેમણે સનદી સેવાના પ્રણેતા લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા અને અધિકારી તાલીમાર્થીઓને તેઓની કારકિર્દીમાંસત્યનિષ્ઠા, નિષ્પક્ષતા અને નિર્ણાયકતાના ગુણોને જાળવી રાખવા અરજ કરી હતી. તેઓએ વર્ષ ૨૦૨૨ના આ અધિકારી તાલીમાર્થીઓની પેઢી માટે ' વિકસિત ભારત' એ ડેડલાઈન અને ગૌરવપૂર્ણ જીવનશૈલી એ વર્તમાનની માંગ છે તે બાબત પર ભાર મૂક્યો હતો.
તેઓએ આ બેચને ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર, આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ અને ડેટા ગર્વનન્સની પ્રથમ પેઢી ગણાવી હતી અને તેઓને અપાર ક્ષમતા સાથે જવાબદારી પ્રત્યે પણ એટલું જ ધ્યાન આપવા જણાવ્યુ હતું. તેમણે અધિકારી-તાલીમાર્થીઓને નૈતિક ગુણોને જાળવી રાખી લોકસેવા પ્રત્યે સમર્પિત રહી સમાજ અને રાષ્ટ્રના હિતમાં કાર્ય કરવાની અપીલ કરી હતી. સુશ્રી કોન્ટ્રાક્ટરે અધિકારી તાલીમાર્થીઓને પ્રશાસનમાં છેવાડાના માનવી સુધી સમાનુભૂતિ દાખવવા પર ભાર મૂક્યો હતો. આખરે, સુશ્રી કોન્ટ્રાક્ટરે અધિકારી-તાલીમાર્થીઓને કોર્સ પૂરો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેઓને ભાવિ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમના અંતે, સ્પીપાના સંયુક્ત નિયામક એ.એ.ડોડિયાએ પોતાના સંબોધનમાં સ્પીપાના સ્ટાફ, અધિકારીઓ અને કર્મચારીઓને કોર્સમાં તેઓના યોગદાન બદલ બિરદાવ્યા હતા અને અધિકારી તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ સમારોહનો અંત રાષ્ટ્રગાન સાથે થયો હતો.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
