<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા : જાણીતા ઉદ્યોગપતિના બંધ બંગલાના તાળા તોડી 18 લાખની મતાની ચોરી

ઘરમાંથી રોકડ રકમ, કિંમતી ઘરેણાં અને મોંઘી ઘડિયાળો સહિત કુલ 18 લાખની મત્તાની ચોરી :પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ‘હાઈ-પ્રોફાઈલ’ લુક ધરાવતા તસ્કરોની શોધખોળ આદરી

વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં ઉત્તરાયણની વહેલી સવારે જ્યારે આખું શહેર તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત હતું, ત્યારે તસ્કરોએ એક ઉદ્યોગપતિના બંધ બંગલાને નિશાન બનાવી અંદાજે રૂ. 18 લાખની મત્તા પર હાથ સાફ કર્યો હતો.

ન્યુ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણના વેકેશનમાં ઉદયપુર ફરવા ગયા હતા. આ તકનો લાભ લઈ, તસ્કરોએ પરોઢિયે અંદાજે 3:30 વાગ્યે બંગલાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં ચોર ટોળકીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

સામાન્ય રીતે તસ્કરો મોઢે રૂમાલ બાંધીને આવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં તસ્કરો ફોર્મલ લુકમાં (વ્યવસ્થિત કપડાંમાં) સજ્જ થઈને આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ મુજબ, તસ્કરોએ ઘરમાંથી રોકડ રકમ, કિંમતી ઘરેણાં અને મોંઘી ઘડિયાળો સહિત કુલ 18 લાખની મત્તાની ચોરી કરી છે.

સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ‘હાઈ-પ્રોફાઈલ’ લુક ધરાવતા તસ્કરોની શોધખોળ આદરી છે. તહેવારના સમયે જ બનેલી આ ઘટનાએ સ્થાનીક રહીશોમાં સુરક્ષાને લઈને ચિંતા જન્માવી છે.

(7:03 PM IST)